રશિયાના બાશ્કોર્ટોસ્તાન પ્રજાસત્તાકના ઉફા શહેરમાં આવેલી સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીના હોસ્ટેલમાં શનિવારે એક ગંભીર અને ચોંકાવનારી ઘટના બની. માહિતી મુજબ, 15 વર્ષના કિશોરે હોસ્ટેલમાં ઘુસી વિદ્યાર્થીઓ પર છરીથી હુમલો કર્યો, જેમાં ઓછામાં ઓછા 6 લોકો ઘાયલ થયા હતા અને તેમાં ચાર ભારતીય વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.
વિદેશી વિદ્યાર્થીઓ રહેતા હોસ્ટેલમાં
આ હુમલો ખાસ કરીને વિદેશી વિદ્યાર્થીઓ રહેતા હોસ્ટેલમાં થયો હતો. અહેવાલો મુજબ હુમલાખોર છરી લઈને અંદર પ્રવેશ્યો અને અચાનક વિદ્યાર્થીઓ પર હુમલો શરૂ કર્યો, જેના કારણે હોસ્ટેલમાં ગભરાટ અને અફરાતફરી મચી ગઈ. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ઘટનાસ્થળે “ચારેબાજુ લોહી જોવા મળતું હતું” અને ઘાયલોને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
વિચારધારાથી જોડાયેલા સૂત્રોચ્ચાર પણ કર્યા
સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર હુમલાખોરે હુમલા દરમિયાન રાષ્ટ્રવાદી અને નાઝી વિચારધારાથી જોડાયેલા સૂત્રોચ્ચાર પણ કર્યા હોવાનું કહેવાય છે. કેટલીક માહિતી મુજબ તેણે દિવાલ પર સ્વસ્તિકનું ચિહ્ન પણ દોર્યું હતું, જે પીડિતોના લોહીથી બનાવાયું હોવાનું જણાવાયું છે.
બે પોલીસ અધિકારીઓને પણ છરીથી ઇજા
પોલીસે હુમલાખોરને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે ધરપકડનો પ્રતિકાર કર્યો અને આ દરમિયાન બે પોલીસ અધિકારીઓને પણ છરીથી ઇજા પહોંચી હતી. વધુમાં, આરોપીએ પોતાને પણ શારીરિક નુકસાન પહોંચાડ્યું હોવાનું રશિયાના ગૃહ મંત્રાલયે જણાવ્યું.
ભારતના મોસ્કો સ્થિત દૂતાવાસે
રશિયાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ ઘાયલોમાંથી એકની હાલત ગંભીર છે, જ્યારે અન્ય લોકોની હાલત મધ્યમ અથવા સ્થિર છે. હુમલાખોરને પણ ગંભીર હાલતમાં સ્થાનિક બાળકોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાની પુષ્ટિ ભારતના મોસ્કો સ્થિત દૂતાવાસે પણ કરી છે. દૂતાવાસે જણાવ્યું કે ચાર ભારતીય વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે અને કઝાન સ્થિત કૉન્સ્યુલેટના અધિકારીઓ ઉફા જઈને વિદ્યાર્થીઓને મદદ કરી રહ્યા છે.
પ્રતિબંધિત નિયો-નાઝી સંગઠન
સ્થાનિક ચેનલોના દાવા મુજબ હુમલાખોરનો સંબંધ પ્રતિબંધિત નિયો-નાઝી સંગઠન સાથે હોઈ શકે છે, જોકે સત્તાવાર રીતે તેની પ્રેરણા અંગે તપાસ ચાલી રહી છે. રશિયન સત્તાધિકારીઓએ આ સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરની તપાસ શરૂ કરી છે. ઉફા શહેર ભારતીય વિદ્યાર્થીઓ માટે મેડિકલ અને ટેક્નિકલ અભ્યાસ માટે લોકપ્રિય સ્થળ માનવામાં આવે છે, તેથી આ ઘટના પછી ત્યાં રહેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં સુરક્ષા અંગે ચિંતા વધી છે. હાલમાં તમામ ઘાયલ વિદ્યાર્થીઓને સારવાર આપવામાં આવી રહી છે અને સત્તાવાર એજન્સીઓ હુમલાના કારણો, હુમલાખોરની પૃષ્ઠભૂમિ અને સંભવિત અતિરાષ્ટ્રવાદી જોડાણોની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : India US trade deal : ભારત-અમેરિકા મેગા ડીલ: $500 બિલિયન ઊર્જા સોદાથી ખુલશે વિશાળ બજાર