યુરોપમાં કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે. છેલ્લા બે મહિનામાં બીજી વખત હીટવેવનો પ્રકોપ જોવા મળ્યો છે.ફ્રાન્સ,સ્પેન અને ઈટાલી આ ગરમીથી સૌથી વધુ પ્રભાવિત થયા છે.ફ્રાન્સમાં ગરમીથી બચવા મોટી સંખ્યામાં લોકો દરિયા કિનારે ઉમટી પડ્યા હતા.જેમાં દુર્ભાગ્યવશ 40 લોકોના ડૂબી જવાથી મૃત્યુ થયા છે.સ્પેનમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે.ગરમીને કારણે હવે યુરોપમાં વીજળીની અછત અને બ્લેકઆઉટ થવાની આશંકા સેવાઈ રહી છે.જેનાથી સમગ્ર ખંડમાં ભયનો માહોલ છે.આ સ્થિતિ કેટલી ઘાતક છે, વીજળી સંકટની શક્યતા કેટલી છે અને આટલી ગરમી પાછળના કારણો શું છે.યુરોપિયન દેશો આ સ્થિતિને પહોંચી વળવા માટે શું કરી રહ્યા છે તે અંગે વાંચો સંદેશ ડિજિટલ એક્સપ્લેનર.



સ્પેનમાં ગરમીને કારણે 101 લોકોના મૃત્યુ નોંધાયા

યુરોપમાં અત્યારે ગરમી અને લૂનો પ્રકોપ અત્યંત ઘાતક સાબિત થઈ રહ્યો છે જેના કારણે સમગ્ર ખંડમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.ગરમીથી બચવા અને રાહત મેળવવા માટે દરિયાકિનારા,નદીઓ અને સરોવરો તરફ વળેલા ઓછામાં ઓછા 40 લોકોના ડૂબી જવાથી મૃત્યુ થયા છે.સ્પેનમાં આ લૂના દોર પહેલા માત્ર મે મહિનામાં જ ગરમીને કારણે 101 લોકોના મૃત્યુ નોંધાયા હતા.


ગરમીમાં વીજળીની અછતનું સંકટ કેટલું મોટું?

યુરોપમાં ચાલી રહેલી ભીષણ ગરમીએ વીજળીની માંગમાં ધરખમ વધારો કર્યો છે.પરિસ્થિતિ એવી છે કે ઘણા દેશોમાં પાવર ગ્રીડ પર ભારે દબાણ છે અને બ્લેકઆઉટનું જોખમ ઊભું થયું છે.તાપમાન વધવાને કારણે AC અને પંખાનો વપરાશ એટલી હદે વધી ગયો છે કે તે વીજળી ઉત્પાદનની ક્ષમતાને વટાવી રહ્યો છે.જ્યારે પણ માંગ ઉપલબ્ધ ક્ષમતા કરતા વધી જાય છે ત્યારે સિસ્ટમની ફ્રીક્વન્સી ઘટી જાય છે અને બ્લેકઆઉટની સ્થિતિ સર્જાય છે જેને સુધારવી મુશ્કેલ બની જાય છે.


યુરોપમાં હવામાન અંગેની આગાહી

પ્રશાંત મહાસાગરમાં એક મજબૂત અલ નીનો (El Niño)આકાર લઈ રહ્યો છે.વર્તમાન હીટવેવ પર તેની કોઈ ખાસ અસર નથી. પરંતુ તેના કારણે સમગ્ર વિશ્વમાં ગરમી ઝડપથી વધશે.વૈજ્ઞાનિકોના મતે આ ઉનાળાની સ્થિતિને વધુ ભયાનક બનાવી શકે છે.નિષ્ણાતોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે યુરોપ આ નવા આબોહવા સંકટ અને અતિશય ગરમીનો સામનો કરવા માટે બિલકુલ તૈયાર નથી.ત્યાંનું સમગ્ર માળખાકીય તંત્ર સ્થિર અને ઠંડા વાતાવરણને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું હતું, જેને હવે યુરોપ ઝડપથી છોડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. 


ખાણીપીણી અને રહેણીકરણી અંગે આરોગ્ય સલાહ

ઈટાલીના સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને માંસને બદલે પાસ્તા જેવો હળવો ખોરાક લેવાની અને બીયર કે કોફીની જગ્યાએ વધુ પાણી પીવાની સલાહ આપી છે.જર્મનીમાં એક હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીએ ગરમીનો સામનો કરવા માટે એક હેલ્પલાઈન શરૂ કરી છે. ફ્રાન્સમાં રેડ એલર્ટ વાળા વિસ્તારોમાં જાહેર સ્થળોએ દારૂ પીવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.આ ઉપરાંત,ફ્રાન્સમાં લોકો પોતાના ઘરને ઠંડા રાખવા માટે બ્લેન્ક ડી મેઉડોન નામના એક ચોક પાવડરને પાણીમાં મિશ્રિત કરીને પોતાની બારીઓ પર પેઈન્ટ કરી રહ્યા છે.આ લેપ સૂર્યના કિરણોને અટકાવીને ઘરની અંદરનું તાપમાન અસરકારક રીતે ઘટાડવામાં મદદ કરે છે.


ગરમીમાં ACનો મર્યાદિત ઉપયોગ

યુરોપમાં આ હીટવેવ અને ગરમી પેદા કરનારી એક વૈજ્ઞાનિક સ્થિતિ ઓમેગા બ્લોક હવામાન પ્રણાલી વિવિધ દેશોમાં ભારે તબાહી મચાવી રહી છે.અલગ અલગ દેશોમાં સ્થિતિ અત્યંત ગંભીર છે.યુરોપમાં આ ભીષણ ગરમી આટલી ઝડપથી અને ગંભીર સ્વરૂપે ફેલાવા પાછળ ઘણા ભૌગોલિક,મોસમી અને આબોહવા પરિવર્તનને લગતા કારણો જવાબદાર છે.બીજી તરફ ગરમીમાં ACના ઉપયોગને લઈને યુરોપ અને અમેરિકા વચ્ચે થોડો તફાવત જોવા મળ્યો છે.અમેરિકામાં લોકો એસીનો વધુ ઉપયોગ કરે છે, જ્યારે યુરોપમાં વીજળી મોંઘી હોવાને કારણે લોકો તેનો મર્યાદિત ઉપયોગ કરે છે.

આ પણ વાંચોઃ Gujarat News: 7 વર્ષની સજા બાદ ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ બચી શકશે? જાણો શું કહે છે કાયદાવિદ



  • Follow us on: