આ હુમલામાં અન્ય 39 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. બચાવ કાર્યકરોએ કાટમાળમાંથી મૃતદેહો બહાર કાઢ્યા છે. 

યમનમાં યુદ્ધ ફરી એકવાર તીવ્ર 

સાઉદી હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 33 લોકો માર્યા ગયા છે. આ હુમલો યમનની રાજધાની સનાની પૂર્વમાં અલ-શરિયાહ શહેરમાં થયો હતો. હુથી બળવાખોરો સાથે જોડાયેલા મીડિયા આઉટલેટ્સ અનુસાર, હુમલા બાદ ઘણી ઇમારતો કાટમાળમાં ફેરવાઈ હતી. બચાવ કાર્યકરોએ કાટમાળમાંથી નાના બાળકો સહિત મૃતદેહો બહાર કાઢ્યા હતા. હુમલામાં અન્ય 39 લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે. ઘાયલોને સ્ટ્રેચર પર હોસ્પિટલોમાં લઈ જવામાં આવતા ફોટા પણ સામે આવ્યા છે.

બંને પક્ષો વચ્ચે તણાવ વધુ વધ્યો

યમનમાં સંઘર્ષ ઘણા વર્ષોથી સ્થિર હતો. પરંતુ ઈરાન યુદ્ધ પછી લડાઈ ફરી તીવ્ર બની છે. સાઉદી અરેબિયાએ હુથી-નિયંત્રિત સના એરપોર્ટ પર હુમલો કર્યો, જેના કારણે ઈરાની વિમાન ત્યાં ઉતરતું અટકાવ્યું હતુ. આનાથી બંને પક્ષો વચ્ચે તણાવ વધુ વધ્યો હતો. તેહરાન-સમર્થિત હુથી બળવાખોરોએ સાઉદી એરપોર્ટને નિશાન બનાવીને અને પછી લાલ સમુદ્રમાં સાઉદી જહાજો પર હુમલો કરીને બદલો લીધો. સાઉદી અરેબિયા હોર્મુઝ સ્ટ્રેટના વિકલ્પ તરીકે તેલ નિકાસ કરવા માટે આ દરિયાઈ માર્ગનો ઉપયોગ કરી રહ્યું હતું. 

બંને પક્ષોના અલગ અલગ દાવા 

શુક્રવારે યમનના તાઈઝ પ્રાંતમાં એક બજાર પર હુમલો થયો હતો. જેમાં આશરે 30 લોકો માર્યા ગયા હતા. આ વિસ્તાર તાજેતરના દિવસોમાં સંઘર્ષનું મુખ્ય કેન્દ્ર રહ્યો છે. બંને પક્ષોએ આ હુમલા માટે એકબીજાને દોષી ઠેરવ્યા હતા. હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયાને દોષી ઠેરવ્યું હતું, જ્યારે યમનના સરકારી દળોએ આરોપ લગાવ્યો હતો કે હુથી બળવાખોરોએ બજાર પર મિસાઇલ ચલાવી હતી. આ ઘટના માટે બંને પક્ષોના અલગ અલગ દાવા છે. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, યમનમાં યુદ્ધ ફરી શરૂ થયા પછી 1,600 થી વધુ લોકો માર્યા ગયા છે અને 3 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે.

આ પણ વાંચોઃ 90 કિમી વાવાઝોડું અને ભારે બરફવર્ષા, 13 રાજ્યોમાં હવામાન વિભાગનું એલર્ટ