યમનના હૂતી બળવાખોરોએ સાઉદી અરેબિયા સામે હુમલા તેજ કરી દીધા છે. હૂતી બળવાખોરોએ દાવો કર્યો છે કે તેમણે સાઉદી અરેબિયાનું એક સશસ્ત્ર જાસૂસી વિમાન તોડી પાડ્યું છે. બીજી તરફ, સાઉદી અરેબિયાના નેતૃત્વ હેઠળના સૈન્ય ગઠબંધને જણાવ્યું છે કે તેણે હૂતી બળવાખોરોની બે બેલિસ્ટિક મિસાઇલ અને ત્રણ ડ્રોનને હવામાં જ નષ્ટ કરી દીધાં છે.

હૂતી સૈન્ય પ્રવક્તા યાહ્યા સરીએ જણાવ્યું કે તેમના લડવૈયાઓએ અલ-જૌફના હવાઈ ક્ષેત્રમાં સાઉદી અરેબિયાના એક સશસ્ત્ર જાસૂસી વિમાનને નિશાન બનાવ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર, આ વિમાન વિસ્તારમાં એવી ગતિવિધિઓ કરી રહ્યું હતું, જેને હૂતી બળવાખોરો પોતાની વિરુદ્ધની કાર્યવાહી માને છે.

સરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને દાવો કર્યો કે તણાવ વધ્યા બાદથી હૂતી બળવાખોરો અત્યાર સુધીમાં પાંચ વિમાનો તોડી પાડી ચૂક્યા છે. જોકે, આ દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.

રિયાધ તરફ છોડેલી બે મિસાઇલ અને ત્રણ ડ્રોન તોડી પાડ્યાં

બીજી તરફ, સાઉદી અરેબિયાના નેતૃત્વ હેઠળના સૈન્ય ગઠબંધને રવિવારે જણાવ્યું કે તેણે રાજધાની રિયાધ તરફ છોડવામાં આવેલી હૂતી બળવાખોરોની બે બેલિસ્ટિક મિસાઇલને હવામાં જ અટકાવી દીધી હતી. આ ઉપરાંત સાઉદી અરેબિયાના પૂર્વી પ્રાંતમાં ત્રણ ડ્રોન પણ તોડી પાડવામાં આવ્યાં હતાં. આ વિસ્તાર સાઉદી અરેબીના તેલ અને ગેસના ભંડાર માટે ખૂબ મહત્ત્વનો છે.

સાઉદી અરામકોની ઇમારતને પણ બનાવ્યું નિશાન

હૂતી બળવાખોરોએ છેલ્લા કેટલાક દિવસોથી સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ પર હુમલા વધાર્યા છે. ગયા અઠવાડિયે થયેલા એક હુમલામાં સરકારી તેલ કંપની સાઉદી અરામકોની રિયાધના નાણાકીય વિસ્તારમાં આવેલી એક વહીવટી ઇમારતને નુકસાન પહોંચ્યું હતું.

સાઉદી અરેબિયાનો પૂર્વી પ્રાંત દેશની અર્થવ્યવસ્થાનું મહત્ત્વનું કેન્દ્ર છે. અહીં દેશના મોટાભાગના તેલ અને ગેસના ભંડાર આવેલા છે. અરામકોનું મુખ્યાલય પણ આ જ પ્રાંતમાં આવેલું છે. ઑક્ટોબરમાં થયેલા એક હુમલામાં આ મુખ્યાલયને મોટું નુકસાન થયું હતું. છેલ્લા કેટલાક અઠવાડિયાંમાં હૂતી બળવાખોરોએ આ વિસ્તારને અનેક વખત નિશાન બનાવ્યો છે.

એરપોર્ટ, બંદરો અને તેલ મથકો પર હુમલા

હૂતી બળવાખોરોએ સાઉદી અરેબિયાના એરપોર્ટ, બંદરો અને તેલ સંબંધિત મથકો પર પણ હુમલા વધાર્યા છે. તેના જવાબમાં સાઉદી અરેબિયાએ યમનમાં હૂતી બળવાખોરોનાં ઠેકાણાં પર હવાઈ હુમલા તેજ કર્યા છે. આના કારણે બંને પક્ષો વચ્ચે તણાવ વધુ વધી ગયો છે.

આ પણ વાંચો : https://sandesh.com/d