સાઉદી અરેબિયાની સરકારે ચેતવણી આપી છે કે મિસાઇલ અને ડ્રોનને હવામાં જ તોડી પાડવાની કાર્યવાહી તેમજ તેનાં કાટમાળ પડ્યાં હોય અથવા તેની અસર થઈ હોય તેવા સ્થળોના વીડિયો બનાવવા, પ્રસારિત કરવા કે શેર કરવા બદલ કાનૂની કાર્યવાહી થઈ શકે છે.

સાઉદી અરેબિયામાં આવેલા ભારતીય દૂતાવાસે રવિવાર, 25 ઑક્ટોબર 2026ના રોજ ત્યાં રહેતા ભારતીય નાગરિકો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. સાઉદી અરેબિયાના નાગરિક સુરક્ષા નિર્દેશાલયે જાહેર કરેલી સૂચનામાં તમામ વિદેશી નાગરિકોને મિસાઇલ અને ડ્રોનને હવામાં અટકાવવાની ઘટનાઓના વીડિયો બનાવવા અથવા તેને લગતી માહિતી પ્રસારિત કરવાથી દૂર રહેવાની સલાહ આપી છે.

https://x.com/IndianEmbRiyadh/status/2114194501510062161?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2114194501510062161%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

પ્રદેશમાં વધી રહેલા તણાવ વચ્ચે આ સૂચના આપવામાં આવી છે. યમનના હૂતી બળવાખોરો દ્વારા નાગરિક માળખાંને નિશાન બનાવીને કરવામાં આવતા ડ્રોન અને મિસાઇલ હુમલાની અનેક ઘટનાઓને કારણે આ વિસ્તારમાં તણાવ વધ્યો છે.

ભારતીય દૂતાવાસે સાઉદી અરેબિયાના નાગરિક સુરક્ષા નિર્દેશાલય દ્વારા જાહેર કરાયેલી સૂચના સોશિયલ મીડિયા પર શેર કરતાં જણાવ્યું હતું કે, “સાઉદી અરેબિયામાં રહેતા ભારતીય સમુદાયને સ્થાનિક નિયમો અને કાયદાઓનું પાલન કરવાની વિનંતી કરવામાં આવે છે.”

વીડિયો ન બનાવવાની સલાહ

સૂચનામાં જણાવાયું છે કે મિસાઇલ અને ડ્રોનને હવામાં તોડી પાડવાની કાર્યવાહી તેમજ તેનાં કાટમાળ પડ્યાં હોય અથવા તેની અસર થઈ હોય તેવા સ્થળોની માહિતીના વીડિયો બનાવવા, તેને પ્રસારિત કરવા કે શેર કરવાથી કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.

ભારતીય દૂતાવાસે રિયાધ અને દમ્મામથી આવતી-જતી Air India અને Air India Expressની ઉડાનો સ્થગિત કરવામાં આવી હોવાની માહિતી પણ શેર કરી છે.

દૂતાવાસે શનિવારે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે રિયાધ અને દમ્મામથી આવતી-જતી Air India અને Air India Expressની ઉડાનો 7 નવેમ્બર 2026 સુધી સ્થગિત રહેશે, જ્યારે જેદ્દાહથી આવતી-જતી ઉડાનો 31 ઑક્ટોબર 2026 સુધી સ્થગિત રહેશે.

જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવામાં આવી રહી છે

જેદ્દાહ સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસે પણ આવી જ સૂચના જાહેર કરી છે. વાણિજ્ય દૂતાવાસે શનિવારે જણાવ્યું હતું કે જેદ્દાહ અને મક્કામાં તેના 24 કલાક કાર્યરત નિયંત્રણ કક્ષ દ્વારા અસરગ્રસ્ત ભારતીયોને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

આ કામગીરીમાં સામાજિક સંગઠનો અને સ્વયંસેવકોની પણ મદદ લેવામાં આવી રહી છે. જરૂરિયાત અને ઉપલબ્ધતા અનુસાર લોકોને ભોજન, જરૂરી દવાઓ અને અન્ય આવશ્યક વસ્તુઓ પૂરી પાડવામાં આવી રહી છે.

રિયાધથી ટૂંક સમયમાં ફરી શરૂ થઈ શકે છે ઉડાનો

ભારતીય દૂતાવાસે વધુમાં જણાવ્યું હતું કે ઉડાનો ખોરવાવાને કારણે ઊભી થયેલી મુશ્કેલીઓ દૂર કરવા માટે તે સાઉદી અરેબિયાના હજ અને ઉમરા મંત્રાલય તેમજ વિદેશ મંત્રાલયના સતત સંપર્કમાં છે.

આ દરમિયાન વિઝાની માન્યતા અને ઉડાનોમાં વિલંબને કારણે મુસાફરોને પરત ફરવામાં પડતી મુશ્કેલીઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

દરમિયાન, ‘ગલ્ફ ન્યૂઝ’ના વેબ પોર્ટલના અહેવાલ મુજબ, રિયાધનું કિંગ ખાલિદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક રવિવારે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઉડાન સેવાઓ ફરી શરૂ કરવાની તૈયારી કરી રહ્યું હતું.

સમાચાર પોર્ટલે યમનના હૂતી બળવાખોરો સામે લડી રહેલા સાઉદી અરેબિયાની આગેવાની હેઠળના ગઠબંધનને ટાંકીને વધુમાં જણાવ્યું હતું કે રવિવારે હવાઈ સંરક્ષણ પ્રણાલીએ રિયાધ તરફ છોડવામાં આવેલી એક બેલિસ્ટિક મિસાઇલને હવામાં જ અટકાવીને નષ્ટ કરી દીધી હતી.