અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સાઉદી અરેબિયા સાથે 30 વર્ષના સિવિલ ન્યુક્લિયર કરારને મંજૂરી આપી દીધી છે. આ ડીલ હેઠળ સાઉદી અરેબિયા પોતાના જ દેશમાં યુરેનિયમ સંવર્ધન (Uranium Enrichment) કરી શકશે. જોકે, આ કરારમાં પહેલાની જેમ આંતરરાષ્ટ્રીય સુરક્ષાના કડક નિયમો સામેલ નથી, જેના કારણે નિષ્ણાતોએ પરમાણુ હથિયારોના પ્રસાર અને પ્રાદેશિક સુરક્ષાને લઈને ભારે ચિંતા વ્યક્ત કરી છે.
30 વર્ષ માટે 10 બિલિયનનો કરાર
'વોલ સ્ટ્રીટ જર્નલ'ના રિપોર્ટ અનુસાર, આ કરાર 30 વર્ષ માટે થશે અને તેની કિંમત અંદાજે 10 અબજ ડોલર હશે.આ ડીલ હેઠળ અમેરિકી કંપનીઓ સાઉદી અરેબિયાના સિવિલ ન્યુક્લિયર પ્રોગ્રામને ડેવલપ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે, જેનાથી અન્ય દેશોની કંપનીઓ માટે આ ક્ષેત્રમાં કામ કરવાની શક્યતા ખૂબ ઘટી જશે. મળતી માહિતી મુજબ ટ્રમ્પ પ્રશાસન આગામી દિવસોમાં આ કરારને અંતિમ મંજૂરી માટે અમેરિકી કોંગ્રેસમાં રજૂ કરશે.
આમાં '123 એગ્રીમેન્ટ' પણ સામેલ છે, જેના પર અમેરિકાના ઉર્જા મંત્રી ક્રિસ રાઈટ અને સાઉદી અરેબિયાના ઉર્જા મંત્રી પ્રિન્સ અબ્દુલઅઝીઝ બિન સલમાને હસ્તાક્ષર કર્યા છે. આ કરાર નક્કી કરે છે કે અમેરિકા અન્ય દેશો સાથે પરમાણુ ક્ષેત્રે કઈ રીતે સહયોગ કરશે.
સાઉદી પરમાણુ હથિયાર બનાવવાની ચેતવણી
નિષ્ણાતોનું માનવું છે કે જો સાઉદી અરેબિયા પોતાના દેશમાં યુરેનિયમ સંવર્ધન કરશે અને તેના પર આંતરરાષ્ટ્રીય સ્તરની કડક દેખરેખ નહીં હોય, તો ભવિષ્યમાં પરમાણુ હથિયારો બનવાનું જોખમ વધી શકે છે.
સાઉદી ક્રાઉન પ્રિન્સનું વલણ
સૌદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અગાઉ જ કહી ચૂક્યા છે કે જો ઈરાન પરમાણુ હથિયાર હાસિલ કરશે, તો સાઉદી અરેબિયા પણ પોતાનું પરમાણુ હથિયાર બનાવવાનો પ્રયાસ કરશે.CNNના એક રિપોર્ટ અનુસાર, આ કરારમાં સૌદી અરેબિયા માટે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA)ના 'એડિશનલ પ્રોટોકોલ'ને અપનાવવો ફરજિયાત રહેશે નહીં. આ પ્રોટોકોલ વિશ્વભરમાં ન્યુક્લિયર પ્રવૃત્તિઓની કડક તપાસ માટે બનાવવામાં આવ્યો છે.
એજન્સીની તપાસના બદલે અમેરિકા અને સૌદી અરેબિયા વચ્ચે અલગથી એક દ્વિપક્ષીય દેખરેખ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. આ જ કારણે વૈશ્વિક સુરક્ષા નિષ્ણાતો ચિંતિત છે કે ભવિષ્યમાં આ પગલું વૈશ્વિક પરમાણુ સુરક્ષા અને અણુશસ્ત્રોના પ્રસારને રોકવાના પ્રયાસોને નુકસાન પહોંચાડી શકે છે.
આ પણ વાંચો: British Indian MP: બે ભારતીયોને બ્રિટનના મંત્રાલયમાં મળી મહત્ત્વની જવાબદારી, જાણો કોણ છે આ નેતા?