મુખ્યત્વે ગાયો અને અન્ય પશુધનને આક્રમક રીતે સંક્રમિત કરતો 'શમોન્ડા વાયરસ' (Shamonda Virus) હવે માનવ શરીરમાં પ્રવેશતાં વૈશ્વિક આરોગ્ય સંસ્થાઓની ચિંતા વધી ગઈ છે. ફ્રાન્સના લિયોન શહેરની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક ગંભીર દર્દીનું આ વાયરસથી સંક્રમિત થયા બાદ મોત નીપજ્યું છે. માનવ શરીરમાં આ વાયરસના ચેપનો આ વિશ્વનો સૌપ્રથમ નોંધાયેલો કેસ છે. મૃતક દર્દી અગાઉથી જ ગંભીર રોગથી પીડાતો હતો અને તેની રોગપ્રતિકારક શક્તિ અત્યંત નબળી હતી.
શું છે શમોન્ડા વાયરસ અને તેનો ઇતિહાસ?
શમોન્ડા વાયરસ સૌપ્રથમ ૧૯૬૫માં નાઇજીરીયામાં ગાયો અને પશુઓમાં જોવા મળ્યો હતો. આ વાયરસ મુખ્યત્વે 'મિડજેસ' (Midge) નામના અત્યંત નાના ઝેરી જંતુઓના કરડવાથી ફેલાય છે. આ વર્ષના જુલાઈ માસમાં યુરોપમાં તેનો પ્રથમ કેસ પ્રકાશમાં આવ્યો હતો. ૨૦ ઓક્ટોબર સુધીમાં ફ્રાન્સ, જર્મની, સ્પેન અને આયર્લેન્ડ સહિત ૧૨ થી વધુ યુરોપિયન દેશોમાં પશુઓમાં આ વાયરસનો ફેલાવો વ્યાપક બન્યો છે.
પશુઓમાં જોવા મળતાં ગંભીર લક્ષણો
આ વાયરસ ગાયો, ઘેટાં, બકરાં, ઘોડા અને અલ્પાકા જેવા પશુઓને સૌથી વધુ અસર કરે છે. ચેપગ્રસ્ત પ્રાણીઓમાં ભારે તાવ, ઝાડા અને દૂધના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. ગર્ભવતી ગાયો કે પશુઓમાં ગર્ભપાત થવાનું અને અજાત બચ્ચાંઓમાં ગંભીર ખામીઓ સર્જાવાનું જોખમ રહે છે. કેટલીક જગ્યાએ ઘોડાઓમાં મગજ અને ચેતાતંત્ર સંબંધિત ગંભીર સમસ્યાઓ પણ નોંધાઈ છે.
મનુષ્યો માટે કેટલો ખતરનાક?
ફ્રાન્સમાં નોંધાયેલા પ્રથમ માનવ કેસમાં આરોગ્ય અધિકારીઓને શંકા છે કે દર્દીને પૂર્વ ફ્રાન્સમાં ચેપગ્રસ્ત મિજના કરડવાથી આ સંક્રમણ થયું હતું. દર્દીને મગજ સંબંધિત ગંભીર તકલીફો ઊભી થઈ હતી. જોકે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના જણાવ્યા અનુસાર, હાલમાં સામાન્ય માનવોમાં આ વાયરસના વ્યાપક ફેલાવાનું જોખમ ખૂબ જ ઓછું છે અને આ એક અલગ આઇસોલેટેડ કેસ છે.
મોનિટરિંગ સિસ્ટમનો અભાવ
WHO કે યુરોપિયન યુનિયનના નિયમો હેઠળ હાલમાં શમોન્ડા વાયરસ મોનિટરિંગ લિસ્ટમાં સામેલ નથી. આ કારણે વિવિધ દેશો માટે તેની વિગતો અને કેસોની નોંધણી કરવી ફરજિયાત નથી, જેના લીધે સંક્રમિત પશુઓનો સાચો આંકડો મેળવવો મુશ્કેલ બન્યો છે. તેમ છતાં, પશુધન અને માનવ આરોગ્યની સુરક્ષા માટે આ વાયરસ પર સતત નજર રાખવી અત્યંત જરૂરી બની ગઈ છે.
આ પણ વાંચોઃ iPhone Duo: આજથી iPhone Duoની ડિલિવરી શરૂ! પરંતુ કંપનીએ રાખી એવી શરત, કિંમત જાણીને તમે પણ ચોંકી જશો