રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધમાં શાંતિની આશા ફરી જાગી છે. બંને દેશો યુક્રેનના રશિયાના કબજાવાળા ઓલેશ્કી શહેરમાં અસ્થાયી યુદ્ધવિરામ માટે સંમત થયા છે. આ સમજૂતી હેઠળ શહેરમાં ફસાયેલા લોકોને ખોરાક અને દવાઓ જેવી જરૂરી સહાય પહોંચાડવામાં આવશે. જે નાગરિકો શહેર છોડવા માગે છે, તેમને સુરક્ષિત માર્ગે બહાર કાઢવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ સમજૂતીમાં અમેરિકાના ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી. આ સાથે રશિયા, યુક્રેન અને અમેરિકા વચ્ચે યુદ્ધનો અંત લાવવા માટે આગામી મહિને ફરી શાંતિ મંત્રણા યોજવાની તૈયારી પણ થઈ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું છે કે ત્રણેય દેશોના પ્રતિનિધિઓ નવેમ્બરના પહેલા પખવાડિયામાં બેઠક કરશે. આ બેઠક અબુ ધાબી અથવા સ્વિટ્ઝર્લૅન્ડમાં યોજાઈ શકે છે. જોકે, આ વાતચીતથી યુદ્ધનો અંત આવશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. 

ઓલેશ્કી શહેરમાં યુદ્ધવિરામ કેમ જરૂરી બન્યો?

ઓલેશ્કી દક્ષિણ યુક્રેનના ખેરસોન વિસ્તારમાં આવેલું શહેર છે. ફેબ્રુઆરી 2022માં રશિયાએ યુક્રેન પર આક્રમણ શરૂ કર્યું ત્યારથી આ શહેર રશિયાના કબજામાં છે. લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધને કારણે અહીંના લોકો માટે ખોરાક, દવાઓ અને પીવાનું સ્વચ્છ પાણી મેળવવું મુશ્કેલ બન્યું છે. શહેરમાં વીજળી, ગરમી અને પાણી જેવી પાયાની સુવિધાઓ પણ ખોરવાઈ ગઈ છે. યુદ્ધ શરૂ થયું તે પહેલાં ઓલેશ્કીની વસ્તી લગભગ 24,000 હતી. હવે અહીં અંદાજે 1,700થી 2,000 લોકો જ બાકી રહ્યા છે. તેમાં મોટાભાગના વૃદ્ધો છે અને આશરે 50 બાળકો પણ અહીં રહે છે. આવી સ્થિતિમાં શહેરમાં માનવીય સહાય પહોંચાડવી અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા જરૂરી બન્યું છે. 

27 ઓક્ટોબરથી અમલમાં આવશે યુદ્ધવિરામ

રોઇટર્સના અહેવાલ મુજબ, બંને દેશો વચ્ચે થયેલો અસ્થાયી યુદ્ધવિરામ 27 ઓક્ટોબરથી અમલમાં આવવાનો છે. આ સમય દરમિયાન ઓલેશ્કી સુધી પહોંચતા રસ્તાઓ પર બારૂદી સુરંગો દૂર કરવાની કામગીરી કરવામાં આવશે. ત્યારબાદ ખોરાક, દવાઓ અને બીજી જરૂરી વસ્તુઓ પહોંચાડવામાં આવશે. સાથે જ શહેર છોડવા ઇચ્છતા નાગરિકોને બહાર કાઢવાની વ્યવસ્થા કરાશે. યુક્રેન અને રશિયા બંનેએ આ કામગીરી માટે ગોળીબાર રોકવા સંમતિ આપી છે. જોકે, આ યુદ્ધવિરામ માત્ર ઓલેશ્કી શહેરમાં માનવીય સહાય અને નાગરિકોને બહાર કાઢવાની કામગીરી માટે છે. તેનો અર્થ એ નથી કે બંને દેશો વચ્ચે સમગ્ર મોરચે યુદ્ધ બંધ થઈ ગયું છે. 

મેલાનિયા ટ્રમ્પે કેવી રીતે મધ્યસ્થી કરી?

અમેરિકાના ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે ઓલેશ્કીના લોકોની ખરાબ સ્થિતિને ધ્યાનમાં રાખીને આ સમજૂતી માટે પ્રયાસો કર્યા હતા. વ્હાઇટ હાઉસના જણાવ્યા મુજબ, તેમણે રશિયા અને યુક્રેનના પ્રતિનિધિઓ સાથે સીધી વાતચીત કરીને માનવીય સહાય પહોંચાડવા અને નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટેનો માર્ગ તૈયાર કરવામાં મદદ કરી હતી. મેલાનિયા ટ્રમ્પે જણાવ્યું હતું કે ઓલેશ્કીની સ્થિતિ અત્યંત ગંભીર છે અને ત્યાં રહેતા લોકોને તાત્કાલિક ખોરાક, દવાઓ, સ્વચ્છ પાણી તથા તબીબી સહાયની જરૂર છે. આ પહેલાં પણ તેમણે યુદ્ધને કારણે પરિવારોથી અલગ થયેલા યુક્રેનના બાળકોને તેમના પરિવાર સાથે ફરી જોડવાના પ્રયાસો કર્યા હતા. 

નવેમ્બરમાં ફરી શાંતિ મંત્રણા, પરંતુ મુશ્કેલીઓ યથાવત્

ઓલેશ્કીમાં યુદ્ધવિરામની સમજૂતી સાથે ત્રણેય દેશો વચ્ચે શાંતિ મંત્રણા ફરી શરૂ કરવાની તૈયારી પણ થઈ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના જણાવ્યા મુજબ, યુક્રેન, રશિયા અને અમેરિકાના પ્રતિનિધિઓ નવેમ્બરના પહેલા પખવાડિયામાં ટેકનિકલ સ્તરની બેઠક યોજશે. આ બેઠકમાં યુદ્ધનો અંત લાવવાના માર્ગો પર ચર્ચા થઈ શકે છે. જોકે, બંને દેશો વચ્ચેના મુખ્ય મતભેદો હજુ ઉકેલાયા નથી. રશિયા યુક્રેનના વિસ્તારો પર નિયંત્રણની માગ કરી રહ્યું છે, જ્યારે યુક્રેન પોતાના પ્રદેશો છોડવા તૈયાર નથી. ઝેલેન્સ્કીએ સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ શાંતિ કરારમાં યુક્રેનની સુરક્ષા માટે મજબૂત ખાતરીઓ હોવી જરૂરી છે. તેથી આગામી મહિને યોજાનારી મંત્રણા યુદ્ધનો અંત લાવવાની દિશામાં કેટલી પ્રગતિ કરે છે તેના પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો: Tibet ની ધરા ધ્રુજી, 5.4ની તીવ્રતાની ભૂકંપના આંચકા અનુભવાયા