વિજ્ઞાન અને અવકાશ ક્ષેત્રે એક અદ્ભુત ક્રાંતિ આકાર લઈ રહી છે, જેમાં ભારતની પ્રાઇવેટ સ્પેસ એજન્સી સ્કાયરૂટ એરોસ્પેસ મહત્વની ભૂમિકા ભજવશે. અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત સ્ટાર્ટઅપ 'રિફ્લેક્ટ ઓર્બિટલ' (Reflect Orbital) એ રાત્રિના સમયે પૃથ્વી પર સૂર્યપ્રકાશ પહોંચાડવાની એક અનોખી યોજના બનાવી છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે તેણે હૈદરાબાદ સ્થિત ભારતીય કંપની સ્કાયરૂટ સાથે બે લોન્ચ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

ટેકનોલોજીના ક્ષેત્રમાં નવી શક્યતાઓ ખૂલશે

આ યોજના હેઠળ, અવકાશમાં મોટા અરીસાઓ (Mirrors) થી સજ્જ વિશેષ ઉપગ્રહો મોકલવામાં આવશે. આ ઉપગ્રહો સૂર્યપ્રકાશને પૃથ્વીના ચોક્કસ વિસ્તારો તરફ પરાવર્તિત (Reflect) કરશે. આ સેટેલાઇટ્સને અવકાશમાં સ્થાપિત કરવા માટે સ્કાયરૂટના 'વિક્રમ-1' (Vikram-1) અને તેનાથી વધુ ક્ષમતા ધરાવતા નવા 'વિક્રમ-1યુ' (Vikram-1U) રોકેટનો ઉપયોગ કરવામાં આવશે. સ્કાયરૂટના CEO પવન ચંદના અને રિફ્લેક્ટ ઓર્બિટલના સીઈઓ બેન નોવેકે આ ભાગીદારીને અવકાશ ટેકનોલોજીના ક્ષેત્રમાં નવી શક્યતાઓ ખોલનારું એક મોટું પગલું ગણાવ્યું છે.

પૃથ્વી પર આ રીતે પહોંચાડશે સૂર્યપ્રકાશ

કંપનીના જણાવ્યા મુજબ, આ ટેકનોલોજી દ્વારા પૃથ્વી પર લગભગ 5 કિલોમીટર પહોળા વિસ્તારમાં સૂર્યપ્રકાશ પહોંચાડી શકાશે. જરૂરિયાત મુજબ આ પ્રકાશની તેજસ્વીતા વધારી, ઘટાડી કે સંપૂર્ણપણે બંધ કરી શકાશે. આ પ્રક્રિયાથી કુદરતી આપત્તિઓ દરમિયાન રાહત અને બચાવ કાર્યમાં સુગમતા રહેશે, દૂરના ઔદ્યોગિક વિસ્તારોમાં કામના કલાકો લંબાવી શકાશે અને સૌર ઊર્જા (Solar Power Plants) થી રાત્રે પણ વીજળી ઉત્પન્ન કરી શકાશે. આ સિવાય સંરક્ષણ સ્થળો અને વિશેષ જાહેર કાર્યક્રમો માટે પણ તે ઉપયોગી સાબિત થશે. જુલાઈમાં યુએસ ફેડરલ કોમ્યુનિકેશન્સ કમિશન (FCC) એ કંપનીને આ માટેના પરીક્ષણ સેટેલાઇટ માટે મંજૂરી આપી દીધી છે.

યોજના સામે વૈજ્ઞાનિક ચિંતાઓ વ્યક્ત કરાઇ

જોકે, આ યોજના સામે કેટલીક પર્યાવરણીય અને વૈજ્ઞાનિક ચિંતાઓ પણ વ્યક્ત થઈ રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે રાત્રિના સમયે કૃત્રિમ સૂર્યપ્રકાશથી વન્યજીવોના દૈનિક જીવનચક્ર અને માનવ ઊંઘની શૈલી પર માઠા પરિણામો આવી શકે છે. સાથે જ, ખગોળશાસ્ત્રીઓના અવકાશ અભ્યાસમાં પણ વિઘ્ન ઊભું થઈ શકે છે. અગાઉ 1993 માં રશિયાએ 'ઝ્નામ્યા' (Znamya) નામના ૬૫ ફૂટના અરીસા સાથે આવો પ્રયોગ કર્યો હતો, જે સફળ રહ્યો હતો પરંતુ ભંડોળના અભાવે આગળ વધી શક્યો નહોતો. રિફ્લેક્ટ ઓર્બિટલે ખાતરી આપી છે કે તે તમામ વૈજ્ઞાનિકો, સ્થાનીય લોકો અને નિયમનકારી સંસ્થાઓ સાથે ચર્ચા કરીને જ આગળ વધશે.

આ પણ વાંચોઃ India Canada Relations: ભારત-કેનેડાના સંબંધો બનશે વધુ મજબૂત, ડિસેમ્બરમાં આ તારીખે PM મોદી કેનેડા પ્રવાસે