દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073માં ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છર પર થયેલા હુમલા મામલે નવો ખુલાસો થયો છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) ના મીડિયા રિપોર્ટ પ્રમાણે UAE સહ-પાઇલટે ફ્લાઇટ દરમિયાન "આતંકવાદી" હુમલો કરવાનો ગંભીર પ્રયાસ કર્યો હતો.
ચપ્પુ નહીં ક્રેશ કુહાડીથી કરાયો હતો હુમલો
અધિકારીઓના જણાવ્યા અનુસાર, સહ-પાઇલટે છરી નહીં પરંતુ કોકપીટમાં કટોકટી સમયે ઉપયોગમાં લેવાતી 'ક્રેશ કુહાડી' (Crash Axe) વડે કેપ્ટન માચર પર હુમલો કર્યો હતો અને વિમાનનો કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાના સંજોગો, હુમલા પાછળનો હેતુ અને તેના કથિત જોડાણો શોધવા માટે હાલ ભૌતિક અને ડિજિટલ પુરાવાઓની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. UAE પ્રોસિક્યુટર જનરલ હમાદ સૈફ અલ શમ્સી દ્વારા આ ઘટનાને સત્તાવાર રીતે "આતંકવાદી હુમલાનો પ્રયાસ" ગણાવવામાં આવી છે.
કો-પાયલોટ ઓમાની નાગરિક
મીડિયા અહેવાલો મુજબ, આ હુમલો કરનાર કો-પાયલોટ ઓમાની નાગરિક છે, જેની ઓળખ હમામ અલ-હમામી તરીકે થઈ છે. અહેવાલ મુજબ, વર્ષ 2024માં ઓમાન એર માટે તાલીમાર્થી તરીકે કામ કરતી વખતે તે શંકાસ્પદ ઉગ્રવાદી સામગ્રી સાથે પકડાય્યો હતો, જેના કારણે તેની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે, તેમ છતાં તે એરલાઇનમાં વહીવટી ભૂમિકામાં કામ કરતો રહ્યો અને પાછળથી ફ્લાયદુબઈમાં ફર્સ્ટ ઓફિસર તરીકે કેવી રીતે પહોંચ્યો તે એક મોટો પ્રશ્ન બન્યો છે.
ઉડ્ડયન સુરક્ષાને લઈને કડક સવાલો થયા ઉભા
ગુરુવારે સાઉદી અરેબિયાથી UAE મોકલવામાં આવેલા આ આરોપીએ તપાસ અધિકારીઓ સમક્ષ સહકાર આપ્યો છે અને પ્રાથમિક તપાસમાં સંકેત મળ્યો છે કે તેનો હેતુ ઇઝરાયલમાં વિમાનને ક્રેશ કરવાનો હતો. આ ગંભીર ઘટના બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉડ્ડયન સુરક્ષાને લઈને કડક સવાલો ઉભા થઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ પરફ્યુમ કેવા લોકોએ ન લગાવવું જોઇએ અને કેમ?