દુબઈથી ઇઝરાયેલના તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબાઈની ફ્લાઇટ FZ1073માં કોકપિટની અંદર થયેલા ગંભીર હુમલા બાદ ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર દુનિયાભરમાં ચર્ચામાં છે. 174 લોકો સવાર આ વિમાનમાં કોકપાઇલટ દ્વારા હુમલો થયા બાદ વિમાન ઝડપથી નીચે ધસી રહ્યું હતું. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં સ્મિત મચ્છરે કોકપિટનો દરવાજો ખોલવામાં સફળતા મેળવી, જેના કારણે મુસાફરો અને ક્રૂ અંદર પહોંચી હુમલાખોરને કાબૂમાં લઈ શક્યા. બાદમાં વિમાનનું સાઉદી અરેબિયાના તબૂકમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું.

ન્યૂઝીલેન્ડમાં ટ્રેનિંગ દરમિયાન જ દેખાતી હતી ખાસિયત

સ્મિત મચ્છરે વર્ષ 2008થી ન્યૂઝીલેન્ડના ડ્યુનેડિન સ્થિત મેઇનલૅન્ડ એર ફ્લાઇંગ સ્કૂલમાં આશરે 18 મહિના ટ્રેનિંગ લીધી હતી. ફ્લાઇંગ સ્કૂલના ચીફ એક્ઝિક્યુટિવ ફિલિપ કીનના જણાવ્યા પ્રમાણે સ્મિત તેમના બેચના આગળ રહેતા અને ખૂબ સારું પ્રદર્શન કરતા વિદ્યાર્થી હતા. ટ્રેનિંગ પૂર્ણ કરીને ભારત પરત આવ્યા બાદ પણ તેઓ ફ્લાઇંગ સ્કૂલ સાથે સંપર્કમાં રહ્યા હતા.

ભારતમાં ફ્લાઇંગ સ્કૂલ માટે ભરતીનું કામ પણ કરતા હતા

ફિલિપ કીનના જણાવ્યા પ્રમાણે સ્મિત મચ્છર ભારત પરત ગયા બાદ પોતાની એવિએશન કારકિર્દીમાં આગળ વધ્યા, પરંતુ મેઇનલૅન્ડ એર સાથેનો સંપર્ક જાળવી રાખ્યો હતો. તેઓ ભારતમાં સંસ્થાના રિક્રૂટમેન્ટ એટલે કે ભરતી સંબંધિત કામગીરીમાં પણ મદદ કરતા હતા. કીનના કહેવા પ્રમાણે તેઓ અન્ય વિદ્યાર્થીઓમાં અલગ તરી આવતા હતા.

ચાકૂના હુમલા વચ્ચે પણ કોકપિટનો દરવાજો ખોલ્યો

ફ્લાઇટ દરમિયાન કોકપાઇલટે સ્મિત મચ્છર પર હુમલો કર્યો હોવાના અહેવાલો છે. આ દરમિયાન વિમાનની ઊંચાઈ ખૂબ ઝડપથી ઘટી હતી. ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા અનુસાર વિમાન લગભગ 30,875 ફૂટથી 16,750 ફૂટ સુધી માત્ર 29 સેકન્ડમાં નીચે આવ્યું હતું. ગંભીર રીતે ઘાયલ સ્મિત મચ્છરે કોકપિટનો દરવાજો ખોલ્યો અને ત્યારબાદ મુસાફરો તથા ક્રૂએ હુમલાખોરને કાબૂમાં લીધો.

તબૂકમાં ઇમરજન્સી લેન્ડિંગ, સ્મિત હોસ્પિટલમાં દાખલ

ઘટના બાદ ફ્લાઇટને સાઉદી અરેબિયાના તબૂક તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. વિમાન સુરક્ષિત રીતે લેન્ડ થયા બાદ ગંભીર રીતે ઘાયલ કેપ્ટન સ્મિત મચ્છરને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. તાજેતરના અહેવાલો મુજબ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે. ઘટનાની સંપૂર્ણ તપાસ હજુ ચાલી રહી છે અને હુમલાનો ચોક્કસ હેતુ તપાસનો વિષય છે.

‘તેમના પર અમને ખૂબ ગર્વ છે’

મેઇનલૅન્ડ એર ફ્લાઇંગ સ્કૂલના CEO ફિલિપ કીને સ્મિત મચ્છરને યાદ કરતાં કહ્યું કે તેઓ અસાધારણ વિદ્યાર્થી હતા અને અન્ય વિદ્યાર્થીઓમાં અલગ તરી આવતા હતા. તેમણે સ્મિતના સાહસની પ્રશંસા કરી અને તેમના ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી. ફ્લાઇટમાં બનેલી આ ઘટનાએ એક વખત ફરી ગંભીર સંકટ સમયે પાઇલટની તાલીમ, નિર્ણયક્ષમતા અને ક્રૂની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ બની શકે છે તે ચર્ચામાં લાવી છે.


આ પણ વાંચો  :   Flydubaiના કેપ્ટન સ્મિત મચ્છરનો જૂનો વીડિયો ફરી ચર્ચામાં, 1 વર્ષ જૂનો વીડિયો ફરી કેમ વાયરલ? Video