દક્ષિણ કોરિયાના ડેજેઓન (Daejeon) શહેરમાં શુક્રવારે બપોરે એક ઓટો પાર્ટ્સ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 53 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમાંથી 24 લોકોની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જણાવાયું છે. શહેરના ફાયર ચીફ નામ ડુક-વુએ ચેતવણી આપી છે કે ફેક્ટરીની અંદર હજુ પણ ઘણા લોકો ફસાયેલા હોઈ શકે છે, જેના કારણે જાનહાનિનો આંકડો વધી શકે છે.

ફેક્ટરીમાંથી  નીકળ્યો જોરદાર ધુમાડો

આગની ઘટના બપોરે આશરે 1:17 વાગ્યે નોંધાઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ફેક્ટરી પરિસરમાંથી અચાનક વિસ્ફોટના અવાજો સંભળાયા હતા અને થોડી જ વારમાં આખી ઇમારત કાળા અને ગ્રે ધુમાડાના ઘટ્ટ વાદળોમાં ઘેરાઈ ગઈ હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે અંદર કામ કરી રહેલા શ્રમિકોને બહાર નીકળવાની તક પણ મળી ન હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ફેક્ટરીમાંથી નીકળતો ભયાનક ધુમાડો માઈલો દૂરથી જોઈ શકાતો હતો.

જીવ બચાવવા લોકો બિલ્ડિંગ પરથી કૂદ્યા

ફાયર ચીફના જણાવ્યા મુજબ, સ્થિતિ એટલી ભયાનક હતી કે કેટલાક લોકોએ જીવ બચાવવા માટે બળતી ઇમારતના ઉપરના માળ પરથી નીચે કૂદકો માર્યો હતો, જેના કારણે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અન્ય ઘણા લોકો ફેક્ટરીમાં ફેલાયેલા ઝેરી ધુમાડાને કારણે ગૂંગળામણ અનુભવતા બેભાન થઈ ગયા હતા. હાલમાં, અધિકારીઓ તે 14 લોકોની શોધખોળ કરી રહ્યા છે જેઓ આગ લાગી ત્યારે ફેક્ટરીની અંદર હાજર હતા, પરંતુ અત્યારે તેમનો કોઈ પત્તો મળી રહ્યો નથી.

250 થી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે

આગને કારણે ફેક્ટરીની એક મુખ્ય ઇમારત સંપૂર્ણપણે નાશ પામી છે અને તે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. આ જોખમને કારણે ફાયર ફાઇટરો ઇમારતની અંદર પ્રવેશી શક્યા નથી. અત્યારે 250 થી વધુ ફાયર ફાઇટરો અને 100 થી વધુ કટોકટી વાહનો ઘટનાસ્થળે તૈનાત છે. તેમનું મુખ્ય ધ્યાન આગને પડોશની અન્ય ફેક્ટરીઓમાં ફેલાતી અટકાવવા અને પરિસરમાં રહેલા જોખમી કેમિકલ્સને સુરક્ષિત રીતે દૂર કરવા પર છે.

આ પણ વાંચોઃ બાળકોના ભણતરથી લઈને ઓફિસના ભોજન સુધી, જાણો 1 April થી બદલાઇ જશે આ નિયમો