માનવજાત અવકાશ વિજ્ઞાનમાં સતત પ્રગતિ કરી રહી છે, પરંતુ તેની પાછળ એક ગંભીર અને વિકરાળ સમસ્યા પણ જન્મ લઈ રહી છે. 'અવકાશ કાટમાળ'. પૃથ્વીની ભ્રમણકક્ષામાં હાલ 13,000 ટનથી વધુ માનવનિર્મિત કાટમાળ ફરી રહ્યો છે, જેમાં નિષ્ક્રિય ઉપગ્રહો, જૂના રોકેટના ભાગો અને અવકાશયાનના ટુકડાઓનો સમાવેશ થાય છે. આ કાટમાળ માત્ર અવકાશ સંસ્થાઓ માટે જ નહીં, પરંતુ પૃથ્વી પરના માનવ જીવન માટે પણ એક ગંભીર પડકાર બની રહ્યો છે.

'કેસલર સિન્ડ્રોમ' અંગે ચિંતિત વૈજ્ઞાનિકો

વૈજ્ઞાનિકો ખાસ કરીને 'કેસલર સિન્ડ્રોમ' અંગે ચિંતિત છે. ૧૯૭૮માં નાસાના વૈજ્ઞાનિક ડોનાલ્ડ કેસલરે આપેલી આ ચેતવણી આજે સાચી સાબિત થતી જણાય છે. આ સિદ્ધાંત મુજબ, ભ્રમણકક્ષામાં કાટમાળના ટુકડાઓની સંખ્યા વધતા તેમની વચ્ચે અથડામણની શક્યતા વધી જાય છે. એક અથડામણથી હજારો નવા ટુકડાઓ ઉત્પન્ન થાય છે, જે ફરીથી બીજી અથડામણોને આમંત્રણ આપે છે. જો આ પ્રક્રિયા અવિરત ચાલુ રહે, તો પૃથ્વીની ભ્રમણકક્ષા એટલી જોખમી બની જશે કે ભવિષ્યમાં નવા ઉપગ્રહો છોડવા કે અવકાશ યાત્રા કરવી અશક્ય બની જશે.

સમસ્યાની સીધી અસર રોજિંદા જીવન પર

આ સમસ્યાની સીધી અસર આપણા રોજિંદા જીવન પર પડી શકે છે. આજે આપણે જીપીએસ (GPS), ઇન્ટરનેટ, ટેલિવિઝન અને હવામાનની આગાહી માટે ઉપગ્રહો પર નિર્ભર છીએ. જો કોઈ અવકાશ કાટમાળ સક્રિય ઉપગ્રહ સાથે અથડાય, તો આ તમામ સેવાઓ ઠપ થઈ શકે છે. કુદરતી આફતોની આગોતરી જાણકારી મેળવવી પણ મુશ્કેલ બની જશે.

કાટમાળનું પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશવાનું જોખમ

વૈજ્ઞાનિકોની ચિંતાનું બીજું મુખ્ય કારણ આ કાટમાળનું પૃથ્વીના વાતાવરણમાં ફરીથી પ્રવેશવાનું જોખમ છે. અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયાના કિનારે રોકેટના ભાગો અને કેન્યાના ગામમાં મળી આવેલા અવકાશના અવશેષો સાબિત કરે છે કે આ જોખમ કાલ્પનિક નથી. ૧ સેન્ટિમીટરથી મોટા ૧૦ લાખથી વધુ ટુકડાઓ અતિશય ગતિએ ભ્રમણ કરી રહ્યા છે, જેમને ટ્રેક કરવા પણ મુશ્કેલ છે. આ ટુકડાઓ આકાશમાર્ગે મુસાફરી કરતા વિમાનો માટે પણ ગંભીર ખતરો બની શકે છે.

આ પણ વાંચોઃ New Zealand: મોદીના આગમન પહેલા જ PM ક્રિસ્ટોફર લક્સને કરી મોટી જાહેરાત, ટેરિફમાંથી આપશે મુક્તિ