અવકાશમાં એક ખૂબ જ રસપ્રદ અને અનોખી ઘટના બનવા જઇ રહી છે.વિશ્વની અગ્રણી રોકેટ ઉત્પાદક કંપની સ્પેસએક્સનું ફાલ્કન 9 રોકેટ, જેનો બીજો તબક્કો છેલ્લા એક વર્ષથી અવકાશમાં લાવારસ કે કાટમાળની જેમ લક્ષ્ય વિના ભ્રમણ કરી રહ્યો હતો, તે હવે ચંદ્ર સાથે અથડાવાની તૈયારીમાં છે.
અવકાશની અનિશ્ચિત ગતિવિધિઓને કારણે સર્જાઇ પરિસ્થિતિ
મળતી માહિતી પ્રમાણે અંદાજે ચાર ટન વજન અને સ્કૂલ બસના કદ જેટલો આ રોકેટનો ટુકડો બુધવારે ભારતીય સમય મુજબ બપોરે 12.5 વાગ્યે અંદાજે 8690 કિમી/કલાકની ભયાનક ઝડપે ચંદ્રની સપાટી પર ટકરાશે. આ કોઈ ઈરાદાપૂર્વકનું આયોજન નથી, પરંતુ અવકાશની અનિશ્ચિત ગતિવિધિઓને કારણે આ સ્થિતિ સર્જાઈ છે.
પૃથ્વીવાસીઓ માટે કોઇ ખતરો નહીં
આ અકસ્માત પૃથ્વીવાસીઓ માટે કોઈપણ પ્રકારનો ખતરો પેદા કરતો નથી, પરંતુ તે ચંદ્રની સપાટી પર એક નવો વિશાળ ખાડો બનાવીને વૈજ્ઞાનિક સંશોધનો માટે એક સોનેરી તક પૂરી પાડશે. નાસાના અંદાજ મુજબ આ ભીષણ ટક્કરથી ચંદ્ર પર લગભગ 60 ફૂટ એટલે કે 18 મીટર પહોળો અને 12 ફૂટ ઊંડો ખાડો રચાશે. રોકેટનો આ ભાગ ચંદ્રની પશ્ચિમી ધાર પર આવેલા આઈન્સ્ટાઈન ક્રેટર સાથે અથડાશે. આ અથડામણના કારણે ચંદ્રની ધૂળનું એક મોટું વાદળ આકાશમાં ઉડશે, જે સૂર્યપ્રકાશમાં ચમકતું દેખાશે, જોકે પૃથ્વી પરથી તેને નરી આંખે જોવું મુશ્કેલ બનશે.
રોકેટનો ટુકડો ચંદ્ર તરફ વધી રહ્યો છે આગળ
તમને એ પણ પ્રશ્ન થશે કે આ રોકેટનો ટુકડો પૃથ્વી પર પાછો કેમ ન આવ્યો? સામાન્ય રીતે રોકેટના ઉપયોગી ભાગોને છોડ્યા બાદ તેના સ્ટેજ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશીને બળી જાય છે અથવા સમુદ્રમાં પડી જાય છે. પરંતુ, જાન્યુઆરી 2025ના ચંદ્ર મિશન દરમિયાન ચંદ્ર લેન્ડરને અત્યંત ઊંચી ગતિ અને ધક્કો આપવાની આવશ્યકતા હોવાથી, રોકેટનો આ બીજો તબક્કો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રથી બહાર નીકળીને અવકાશમાં જ રહી ગયો હતો. લાંબા સમય સુધી અવકાશમાં ભટક્યા બાદ હવે તે પૃથ્વીના કે અન્ય કોઈ નિયંત્રણ વગર સીધો ચંદ્ર તરફ આગળ વધી રહ્યો છે અને હવે તેને રોકવો અશક્ય બની ગયો છે.
વૈજ્ઞાનિક સંસ્થાઓ ઘટના પર રાખી રહી છે બાજ નજર
આ આશ્ચર્યજનક ઘટનાને 'આપત્તિને તકમાં ફેરવવા' સમાન માનવામાં આવી રહી છે. નાસા સહિતની વૈજ્ઞાનિક સંસ્થાઓ આ દુર્ઘટના પર બાજ નજર રાખી રહી છે અને ટક્કર પહેલા તથા પછીની તસવીરો મેળવવાની યોજના બનાવી રહી છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ પ્રકારની કુદરતી કે અનિયંત્રિત અસરોના અભ્યાસથી ભવિષ્યના અવકાશ મિશન અને ચંદ્રની ભૌગોલિક રચનાને સમજવામાં ખૂબ જ મોટી મદદ મળશે. આ ઘટના અવકાશ વિજ્ઞાનના ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે.