મેનલેઉ શહેરમાં સોમવાર 16 ફેબ્રુઆરીની મોડી રાત્રે એક પાંચ માળની એપાર્ટમેન્ટ ઇમારતમાં અચાનક આગ લાગી હતી. આ આગ ઇમારતના સ્ટોરેજ રૂમમાંથી શરૂ થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આગ એટલી ભીષણ હતી કે થોડા જ સમયમાં સમગ્ર બિલ્ડિંગમાં ધુમાડો ફેલાઈ ગયો અને લોકો બહાર નીકળવામાં અસમર્થ રહ્યા. પ્રાદેશિક કટોકટી સેવાઓ અને ફાયર બ્રિગેડને ઘટનાની જાણ થતા જ તરત જ સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. લાંબી મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો, પરંતુ ત્યાં સુધીમાં 5 લોકોના મોત થઈ ચૂક્યા હતા.

મૃત્યુ પામેલા લોકો કોણ હતા?

કેટાલોનિયા પોલીસે માહિતી આપી છે કે મૃત્યુ પામેલા પાંચેય લોકો યુવાન હતા અને તેઓ આ ઇમારતમાં રહેતા ન હતા. આગના કારણે મૃતદેહો અત્યંત બળી ગયા હોવાથી તેમની ઓળખ કરવી હાલ મુશ્કેલ બની છે. પોલીસ અને ફોરેન્સિક ટીમો DNAએ પરીક્ષણ સહિતની પ્રક્રિયા દ્વારા ઓળખ કરવાની કોશિશ કરી રહી છે.

ઘાયલ લોકોની હાલત

આ દુર્ઘટનામાં પાંચ અન્ય લોકો ઘાયલ થયા હતા. મંગળવારે ઇમરજન્સી સેવાઓએ જણાવ્યું હતું કે ચાર લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જ્યારે એક વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી નહોતી. તમામ ઘાયલોની હાલત હાલ સ્થિર હોવાનું જણાવાયું છે.

આગનું કારણ હજુ અજાણ

અધિકારીઓનું કહેવું છે કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સ્ટોરેજ રૂમમાંથી આગ શરૂ થઈ હોવા છતાં ત્યાં હાજર લોકો બહાર કેમ નીકળી શક્યા નહીં, તે મુદ્દે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે. કેટાલાન પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાની વિસ્તૃત તપાસ શરૂ કરવામાં આવી છે.

નેતાઓએ વ્યક્ત કરી સંવેદના

કેટાલોનિયાના પ્રાદેશિક નેતા સાલ્વાડોર ઇલાએ આ દુર્ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે પીડિતોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે આ ઘટના સમગ્ર પ્રદેશ માટે અત્યંત દુઃખદ છે. સરકાર તરફથી જરૂરી તમામ મદદ અને સહાય આપવામાં આવશે તેવી ખાતરી પણ તેમણે આપી છે.

આ પણ વાંચો : Bangladesh election : ઢાકાનો ‘નવો અધ્યાય’, શું ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં આવશે મોટો વળાંક?