શ્રીલંકામાં એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં દેશના સૌથી પ્રતિષ્ઠિત ગણાતા 71 વર્ષીય મુખ્ય બૌદ્ધ ભિક્ષુ પલ્લેગામા હેમરત્નાની સગીરાના યૌન શોષણના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના અનુરાધાપુરા શહેરના એક પ્રખ્યાત મંદિર પરિસરમાં બની હોવાનું બહાર આવ્યું છે.
શું છે સમગ્ર મામલો?
પોલીસના જણાવ્યા અનુસાર, પીડિત બાળકીની ઉંમર હાલ 15 વર્ષ છે. આ મામલાની તપાસ માર્ચ મહિનામાં અપહરણની ફરિયાદ સાથે શરૂ થઈ હતી, પરંતુ ઊંડી તપાસમાં યૌન શોષણનો પર્દાફાશ થયો હતો. નવાઈની વાત એ છે કે, આ ગુનામાં મદદ કરવા બદલ પીડિત બાળકીની માતાની પણ ધરપકડ કરવામાં આવી છે.
હોસ્પિટલમાંથી થઈ ધરપકડ
પલ્લેગામા હેમરત્ના 'અટામાસ્થાન' નામના પવિત્ર બૌદ્ધ સ્થળોના મુખ્ય ભિક્ષુ છે. ધરપકડ વોરંટ જારી થયા બાદ, પોલીસે શુક્રવારે રાત્રે તેમને કોલંબોની એક ખાનગી હોસ્પિટલમાંથી ઝડપી લીધા હતા, જ્યાં તેઓ સારવાર લઈ રહ્યા હતા.
ગાંજાની તસ્કરીમાં પણ ભિક્ષુઓ સંડોવાયા હતા
શ્રીલંકામાં બૌદ્ધ ભિક્ષુઓને લગતો આ બીજો મોટો વિવાદ છે. તાજેતરમાં જ 28 એપ્રિલ 2026ના રોજ, કોલંબો એરપોર્ટ પર થાઈલેન્ડથી પરત ફરી રહેલા 22 બૌદ્ધ ભિક્ષુઓની 110 કિલો ગાંજા સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ જથ્થાની કિંમત આશરે 110 કરોડ રૂપિયા હોવાનું જણાવાયું હતું. ધાર્મિક જગતમાં બનેલી આ ઘટનાઓએ સમગ્ર શ્રીલંકાને હચમચાવી દીધું છે.
આ પણ વાંચો:War Update: અમેરિકા-ઈરાન યુદ્ધ પર લાગશે બ્રેક? ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદનથી વિશ્વભરમાં શાંતિની આશા જાગી