મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ ફરી એકવાર સ્ફોટક બની છે. ઈરાની નૌકાદળ દ્વારા બહાર પાડવામાં આવેલા એક કથિત ઓડિયોએ આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચાવી દીધો છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વની એવી હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) હવે કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવી છે અને તેનું નિયંત્રણ સંપૂર્ણપણે ઈરાની નૌકાદળના હાથમાં છે.


નૌકાદળની કડક ચેતવણી અને ઓડિયો સંદેશ

ઈરાની નૌકાદળના વાયરલ થયેલા ઓડિયોમાં અધિકારી કહી રહ્યો છે કે, "અમે અમારા સર્વોચ્ચ નેતા ઇમામ મોજતબા ખામેનેઇના આદેશ પર જ હોર્મુઝને ફરીથી ખોલીશું, કોઈ મૂર્ખના ટ્વિટ પર નહીં." આ સીધો પ્રહાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો પર હોવાનું માનવામાં આવે છે. ઈરાને ચેતવણી આપી છે કે જે જહાજો ઈરાની નૌકાદળની પરવાનગી વગર આ વિસ્તારમાંથી પસાર થવાનો પ્રયાસ કરશે, તેમને નિશાન બનાવવામાં આવશે. ખાસ કરીને 'દુશ્મન દેશો' અને તેમના સાથીઓના જહાજો પર હુમલો કરવાની કડક સૂચના આપવામાં આવી છે.

શાંતિ વાટાઘાટો કેમ નિષ્ફળ રહી?

ઈસ્લામાબાદમાં યોજાયેલી ઈરાન-અમેરિકા વચ્ચેની શાંતિ વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ કોઈપણ પરિણામ વગર પૂરો થયો છે. શરૂઆતમાં ઈરાની વિદેશ પ્રધાન સૈયદ અબ્બાસ અરાઘચીએ હોર્મુઝને સુરક્ષિત રીતે ખોલવાની જાહેરાત કરી હતી, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદને પાસા પલટી નાખ્યા. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી ઈરાન અમેરિકાની શરતો મુજબ કરાર ન કરે, ત્યાં સુધી અમેરિકી નૌકાદળ ઈરાની બંદરો પર નાકાબંધી ચાલુ રાખશે. આ 'ઈંટનો જવાબ પથ્થરથી' આપતા ઈરાને હોર્મુઝને ફરી બંધ કરી દીધું છે.

વૈશ્વિક અર્થતંત્ર પર માઠી અસર

હોર્મુઝની સામુદ્રધુની વિશ્વના તેલ પુરવઠાની જીવાદોરી સમાન છે. દરરોજ અબજો બેરલ ક્રૂડ ઓઈલ અહીંથી પસાર થાય છે. નાકાબંધીના સમાચાર આવતાની સાથે જ આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ અને ગેસના ભાવમાં તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે. નિષ્ણાતો માને છે કે જો આ નાકાબંધી લાંબો સમય ચાલશે, તો વિશ્વભરમાં ફુગાવો બેકાબૂ બની જશે અને પેટ્રોલ-ડીઝલના ભાવ સામાન્ય જનતાની પહોંચ બહાર જઈ શકે છે.

સમગ્ર વિશ્વની નજર મધ્ય પૂર્વના સમુદ્રી માર્ગ પર

ઈરાનનો દાવો છે કે તેણે આ પગલું અમેરિકી આક્રમકતા અને આર્થિક નાકાબંધીના જવાબમાં લીધું છે. હાલમાં સમગ્ર વિશ્વની નજર મધ્ય પૂર્વના આ સમુદ્રી માર્ગ પર ટકેલી છે, કારણ કે અહીંથી પેદા થતું તણાવ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જવાની ક્ષમતા ધરાવે છે.

આ પણ વાંચોઃ સૌરમંડળના આ ગ્રહ પર છે સૌથી વધારે જ્વાળામુખી, સંખ્યા જાણીને તમે પણ ચોંકી જશો!

  • Follow us on: