વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ 'હોર્મુઝ સ્ટ્રેટ' પર ચાલી રહેલા તણાવ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને વિરામ આપવા માટે તેહરાને એક નવો શાંતિ પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવમાં ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવાની તૈયારી બતાવી છે, પરંતુ તેની સામે અમેરિકા સમક્ષ કેટલીક કડક શરતો પણ મૂકી છે.

પાકિસ્તાની મધ્યસ્થી અને નવો પ્રસ્તાવ

મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ, ઈરાને આ પ્રસ્તાવ સીધો અમેરિકાને આપવાને બદલે પાકિસ્તાની મધ્યસ્થી દ્વારા વોશિંગ્ટન સુધી પહોંચાડ્યો છે. આ પ્રસ્તાવની સૌથી મહત્વની બાબત એ છે કે ઈરાને પરમાણુ વાટાઘાટોને અત્યારે બાજુ પર રાખીને પહેલા આર્થિક નાકાબંધી હટાવવા અને યુદ્ધવિરામ પર ભાર મૂક્યો છે. ઈરાન ઈચ્છે છે કે જ્યાં સુધી તેની આર્થિક સ્થિતિ સુધરે નહીં અને પ્રતિબંધો હટાવવામાં ન આવે ત્યાં સુધી પરમાણુ કાર્યક્રમ પર કોઈ ચર્ચા કરવામાં ન આવે.

ઈરાનની મુખ્ય શરતો

ઈરાનના વિદેશ મંત્રી અરાઘચીએ સ્પષ્ટ કર્યું છે કે જો અમેરિકા તેની આર્થિક નાકાબંધી સંપૂર્ણપણે હટાવશે, તો જ ઈરાન હોર્મુઝ સ્ટ્રેટના જળમાર્ગને તમામ જહાજો માટે ખુલ્લો મુકશે. આ ઉપરાંત, ઈરાને લાંબા ગાળાના યુદ્ધવિરામ અથવા યુદ્ધના કાયમી અંત માટેની દરખાસ્ત પણ મૂકી છે. સૌથી નોંધપાત્ર બાબત એ છે કે ઈરાને સમૃદ્ધ યુરેનિયમ પર ટ્રમ્પની માંગણીઓ બાબતે હાલમાં કોઈ પણ બાંધછોડ કરવાનો ઈનકાર કર્યો છે, જેના કારણે વાટાઘાટોમાં પેચ ફસાયો છે.

ટ્રમ્પની વ્યૂહરચના અને સિચ્યુએશન રૂમમાં બેઠક

ઈરાનનો આ પ્રસ્તાવ વ્હાઇટ હાઉસ પહોંચી ચૂક્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે, સોમવાર (27 એપ્રિલ), સિચ્યુએશન રૂમમાં તેમની ટોચની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિની ટીમ સાથે એક કટોકટીની બેઠક યોજવાના છે. આ બેઠકમાં ઈરાન દ્વારા આપવામાં આવેલી શરતો પર મંથન કરવામાં આવશે.

જો પ્રસ્તાવ સ્વીકારે તો તેલના ભાવમાં ઘટાડો થઇ શકે

વિશ્વના તેલ પુરવઠાનો મોટો હિસ્સો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે, તેથી જો ટ્રમ્પ આ પ્રસ્તાવ સ્વીકારે છે, તો વૈશ્વિક તેલના ભાવમાં મોટો ઘટાડો થઈ શકે છે. જોકે, ટ્રમ્પનો 'મેક્સિમમ પ્રેશર' અભિગમ જોતા, તેઓ ઈરાનની શરતોને કેટલી હદ સુધી સ્વીકારે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચોઃ US-Iran War: કંગાળ પાકિસ્તાને પાણીની જેમ પૈસા વેર્યા તો પણ ઇરાનને નથી વિશ્વાસ