સુદાનમાં છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલું સત્તાનું સંઘર્ષ હવે વિનાશક વળાંક પર પહોંચ્યું છે. સુદાનના કોર્ડોફાન ક્ષેત્રમાં સતત થઈ રહેલા ડ્રોન હુમલાઓએ ભયાનક તબાહી મચાવી છે. સુદાન ડોક્ટર્સ નેટવર્કના અહેવાલ મુજબ, છેલ્લા થોડા દિવસોમાં થયેલા હુમલાઓમાં ઓછામાં ઓછા 77 લોકોએ જીવ ગુમાવ્યા છે અને અસંખ્ય લોકો ઘાયલ થયા છે.

RSF અને સેના વચ્ચે પીસાતી જનતા

એપ્રિલ 2023 થી શરૂ થયેલું આ ગૃહયુદ્ધ સુદાનની સત્તાવાર સેના અને અર્ધલશ્કરી દળ 'રેપિડ સપોર્ટ ફોર્સ' (RSF) વચ્ચે ખેલાઈ રહ્યું છે. આરોપ છે કે RSF દ્વારા ગીચ વસ્તીવાળા વિસ્તારો, બજારો અને હોસ્પિટલોને નિશાન બનાવીને ડ્રોન હુમલા કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ, સેનાએ પણ પશ્ચિમ સુદાનમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા હવાઈ હુમલાઓ તેજ કર્યા છે. આ ખેંચતાણમાં કોર્ડોફાન ક્ષેત્ર અત્યારે 'મુખ્ય યુદ્ધભૂમિ' બની ગયું છે.

ભયંકર માનવતાવાદી સંકટ

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ના આંકડા મુજબ, આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 40,000 થી વધુ લોકો માર્યા ગયા છે અને લગભગ 1.2 કરોડ (12 મિલિયન) લોકોએ પોતાનું ઘર છોડીને વિસ્થાપિત થવું પડ્યું છે. જોકે, વાસ્તવિક મૃત્યુઆંક આનાથી ઘણો વધારે હોવાની આશંકા છે. કડુગલી અને ડિલિંગ જેવા શહેરોમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, ડ્રોન હુમલાઓને કારણે લોકોમાં આતંકનો માહોલ છે અને તેઓ આવશ્યક ચીજવસ્તુઓ કે દવાઓ માટે પણ બહાર નીકળી શકતા નથી.

યુએન (UN) ની લાલબત્તી

યુએન માનવ અધિકારના ઉચ્ચ કમિશનર વોલ્કર ટર્કે આ હુમલાઓની આકરી નિંદા કરી છે. તેમણે ચેતવણી આપી છે કે શાળાઓ અને આરોગ્ય કેન્દ્રો પર ડ્રોનનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન છે. યુએનના પ્રવક્તા સ્ટીફન ડુજારિકે જણાવ્યું કે બંને પક્ષો નાગરિકો વિરુદ્ધ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા હોવાના પુરાવા મળ્યા છે. સુદાનમાં ત્રણ વર્ષ પૂર્ણ થવા આવ્યા હોવા છતાં શાંતિની કોઈ આશા દેખાતી નથી. આંતરરાષ્ટ્રીય સમુદાયની નિષ્ક્રિયતા અને વધતી જતી હિંસા સુદાનને એક એવા અંધકાર તરફ ધકેલી રહી છે જ્યાંથી પરત ફરવું મુશ્કેલ હશે.

આ પણ વાંચોઃ AI ક્ષેત્રે ભારતનો શંખનાદ, PM મોદી India AI Impact Summitનું કરશે ઉદ્ધાટન