વૈશ્વિક સ્તરે જ્યારે ક્રૂડ ઓઈલના ભાવ આસમાને છે અને પર્યાવરણીય પ્રદૂષણ એક ગંભીર પડકાર બની રહ્યું છે, ત્યારે ચીની વૈજ્ઞાનિકોએ એક એવી શોધ કરી છે જે ભવિષ્યની ઉર્જા જરૂરિયાતોને બદલી શકે છે. ચાઇનીઝ એકેડેમી ઓફ સાયન્સના સંશોધકોએ વાતાવરણમાં રહેલા ઝેરી કાર્બન ડાયોક્સાઈડ (CO2) ને સીધા જ 'જેટ ફ્યુઅલ' એટલે કે વિમાનના બળતણમાં રૂપાંતરિત કરવાની પદ્ધતિ વિકસાવી છે. આ શોધ માત્ર પ્રદૂષણ ઘટાડવામાં જ નહીં, પરંતુ વિમાનો માટે સસ્તું અને સ્વચ્છ ઈંધણ પૂરું પાડવામાં પણ સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે.

કેવી રીતે થાય છે આ રૂપાંતર?

સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, આ પ્રક્રિયા દહન (Combustion) ની પ્રક્રિયા કરતા બિલકુલ વિરુદ્ધ રીતે કામ કરે છે. સામાન્ય રીતે બળતણ સળગવાથી કાર્બન ડાયોક્સાઈડ ઉત્પન્ન થાય છે, પરંતુ અહીં કચરો ગણાતા ગેસને પાણી સાથે ભેળવીને ઉર્જાથી ભરપૂર પ્રવાહી બળતણમાં ફેરવવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ આ માટે લોખંડ (Iron) આધારિત એક ખાસ ઉત્પ્રેરક (Catalyst) તૈયાર કર્યો છે, જેમાં પોટેશિયમ અને એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેકનોલોજી લાંબી કાર્બન સાંકળો બનાવવામાં સફળ રહી છે, જે જેટ ઈંધણ માટે અનિવાર્ય છે.

સફળ પ્રયોગ અને પરિણામો

લેબોરેટરીના પરીક્ષણોમાં આ પદ્ધતિ અત્યંત અસરકારક સાબિત થઈ છે. માત્ર 330 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને સામાન્ય દબાણ પર આ સિસ્ટમે પ્રતિ કલાક નોંધપાત્ર માત્રામાં 'ભારે ઓલેફિન' ઉત્પન્ન કર્યા, જે પ્રવાહી બળતણના મુખ્ય ઘટકો છે. સૌથી મહત્વની વાત એ છે કે આ ઉત્પ્રેરક સતત 800 કલાક સુધી કાર્યરત રહ્યો, જે તેની સ્થિરતા અને ઔદ્યોગિક વપરાશ માટેની ક્ષમતા દર્શાવે છે. હવે આ ટેકનોલોજી લેબમાંથી બહાર નીકળીને ફેક્ટરી સ્તરે પહોંચવા માટે તૈયાર છે.

વૈશ્વિક અસરો અને ભવિષ્યની યોજના

તાજેતરમાં ટ્રમ્પની ચેતવણીઓ અને ભૌગોલિક રાજકીય તણાવને કારણે બ્રેન્ટ ક્રૂડના ભાવ પ્રતિ બેરલ $120ને વટાવી ગયા છે, જેનાથી વિમાન ઈંધણ પણ મોંઘું થયું છે. આવી સ્થિતિમાં 'સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ' (SAF) એવિએશન સેક્ટર માટે વરદાન સાબિત થઈ શકે છે. ચીનમાં આ દિશામાં મોટા પાયે કામ શરૂ થઈ ગયું છે. 'ફેનમેન ડાયનેમિક્સ' નામની કંપનીએ વાર્ષિક 3,000 ટન ટકાઉ જેલ ઈંધણ ઉત્પન્ન કરવા માટે સરકાર સાથે કરાર પણ કર્યા છે.

જો આ ટેકનોલોજી વૈશ્વિક સ્તરે સફળ થશે, તો કાર્બન ડાયોક્સાઈડ જે અત્યારે પૃથ્વી માટે બોજ છે, તે ભવિષ્યમાં એક મૂલ્યવાન સંસાધન બની જશે. આ શોધ સાબિત કરે છે કે માનવજાત હવે તેના શ્વાસ અને પ્રદૂષણથી પણ વિમાનો ઉડાડી શકશે.

આ પણ વાંચોઃ  બંદૂક સાથે Trump એ ફોટો પોસ્ટ કરી ઇરાનને આપી ફરી ધમકી, બોલ્યાઃ 'No more Mr. Nice Guy'