વિજ્ઞાનની દુનિયામાં અવારનવાર એવી શોધ થાય છે, જે માણસની વિચારવાની રીત જ બદલી નાખે છે. આવી જ એક મોટી સિદ્ધિ જાપાને મેળવી છે. હકીકતમાં, જાપાને એક એવી ક્રાંતિકારી ટેક્નોલોજી વિકસાવી છે, જેની મદદથી હવે હવા અને પાણીમાંથી પેટ્રોલ અને ડીઝલ જેવું પ્રવાહી કૃત્રિમ ઇંધણ તૈયાર કરવામાં આવી રહ્યું છે.
દુનિયાના અનેક દેશો આજે પણ કાચા તેલની આયાત પર નિર્ભર છે. ત્યારે જાપાનની આ શોધે ઓટોમોબાઇલ અને ઊર્જા ક્ષેત્રમાં નવી આશા જગાવી છે. ચાલો જાણીએ કે આખરે આ ટેક્નોલોજી શું છે અને જાપાને તેને કેવી રીતે શક્ય બનાવી છે.
જાપાને શું કરી બતાવ્યું?
જાપાન એવો દેશ છે, જેની પાસે કુદરતી સંસાધનો જેવા કે કાચું તેલ અને ગેસનો મોટો જથ્થો નથી. આ જ કારણ છે કે જાપાન લાંબા સમયથી ઇંધણ માટે બીજા દેશો પરની નિર્ભરતા ઘટાડવા સંશોધન કરી રહ્યું છે.
તાજેતરમાં જાપાનની સૌથી મોટી ઊર્જા કંપનીઓમાંની એક ENEOSએ યોકોહામામાં એક ખાસ પ્રદર્શન પ્લાન્ટ શરૂ કર્યો છે. આ પ્લાન્ટમાં જમીન કે તેલના કૂવામાંથી નહીં, પરંતુ આપણી આસપાસની હવા અને સામાન્ય પાણીમાંથી કૃત્રિમ પેટ્રોલ, ડીઝલ અને વિમાનમાં વપરાતું ઇંધણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ ઇંધણ રાસાયણિક રીતે પરંપરાગત પેટ્રોલ જેવું જ છે.
કઈ ટેક્નોલોજીથી હવામાંથી બને છે પેટ્રોલ?
હવામાંથી ઇંધણ બનાવવાની આ પ્રક્રિયા મુખ્યત્વે 3 વૈજ્ઞાનિક તબક્કા પર આધારિત છે.
સૌથી પહેલાં ડાયરેક્ટ એર કેપ્ચર મશીનની મદદથી વાતાવરણની હવામાંથી કાર્બન ડાયોક્સાઇડને સીધો શોષીને અલગ કરવામાં આવે છે. ત્યારબાદ સૌર ઊર્જા અથવા પવન ઊર્જા જેવી નવીનીકરણીય વીજળીનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોલાઇઝરની મદદથી પાણીના અણુઓને અલગ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાંથી ગ્રીન હાઇડ્રોજન અને ઓક્સિજન મળે છે.
ત્યારબાદ અંતિમ તબક્કામાં હવામાંથી મેળવેલા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી અલગ કરેલા હાઇડ્રોજનને ખાસ રિએક્ટરમાં અદ્યતન ઉત્પ્રેરકની હાજરીમાં ફિશર-ટ્રોપ્શ સિન્થેસિસ પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે.
આ રાસાયણિક પ્રક્રિયા બાદ બંને તત્ત્વો મળીને પ્રવાહી હાઇડ્રોકાર્બનમાં ફેરવાય છે, જે પેટ્રોલ અને ડીઝલની જેમ કામ કરી શકે છે.
હાલની કારના એન્જિનમાં પણ થઈ શકશે ઉપયોગ
જાપાન દ્વારા તૈયાર કરવામાં આવેલા આ ઇ-ફ્યુઅલની સૌથી મોટી ખાસિયત એ છે કે તેનો ઉપયોગ હાલનાં વાહનોમાં પણ થઈ શકે છે. એટલે કે આ પેટ્રોલ કે ડીઝલનો ઉપયોગ કરવા માટે કારના હાલના એન્જિનમાં કોઈ ફેરફાર કરવાની જરૂર પડતી નથી.
તેનો ઉપયોગ સામાન્ય પેટ્રોલની જેમ હાલની કાર, ભારે ટ્રક, જહાજ અને વિમાનમાં પણ કરી શકાય છે. જાપાને તેનું પરીક્ષણ પણ શરૂ કર્યું છે. આ કૃત્રિમ ઇંધણનો ઉપયોગ શટલ બસ ચલાવવા માટે કરવામાં આવી રહ્યો છે.
પર્યાવરણ અને ભવિષ્ય માટે કેમ છે મહત્ત્વનું?
વૈશ્વિક તાપમાનમાં થઈ રહેલા વધારાના આ સમયમાં આ ટેક્નોલોજીને પર્યાવરણ માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યારે આ કૃત્રિમ પેટ્રોલનો કારમાં ઉપયોગ થાય છે, ત્યારે તેમાંથી કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે. જોકે, આ ઇંધણ બનાવતી વખતે પહેલાં જ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લેવામાં આવ્યો હોવાથી તેને કાર્બન રિસાઇકલિંગ પ્રક્રિયા તરીકે જોવામાં આવે છે.
આ સમગ્ર પ્રક્રિયા કાર્બનના પુનઃઉપયોગ પર આધારિત છે. જોકે, હાલમાં આ ટેક્નોલોજીથી મોટા પ્રમાણમાં ઇંધણ બનાવવું ખર્ચાળ અને જટિલ છે. પરંતુ ભવિષ્યમાં જો તેનું વ્યાવસાયિક સ્તરે ઉત્પાદન વધશે, તો કાચા તેલ પરની વૈશ્વિક નિર્ભરતા, તેની રાજનીતિ અને ઇંધણના ભાવમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.