ચીન અને અમેરિકા વચ્ચે ટેરિફને લઈને ચાલી રહેલી તણાવની સ્થિતિ વચ્ચે નાસાએ એક મોટો નિર્ણય લીધો છે. નાસાએ વિધિવત નાગરિક વિઝા ધરાવતા ચીની નાગરિકોને પોતાના અંતરિક્ષ કાર્યક્રમોમાં સામેલ થવાથી રોકી દીધા છે. હવે ચીની નાગરિક કોઈપણ રીતે નાસામાં કામ નહીં કરી શકે. માનવામાં આવી રહ્યું છે કે નાસાએ આ નિર્ણય રાષ્ટ્રપતિ ટ્રમ્પની ચીન વિરુદ્ધ વધી રહેલી ટિપ્પણીઓના કારણે લીધો છે.

ચીનના નાગરિકોને IT સિસ્ટમમાંથી બહાર કાઢી દેવામાં આવ્યા

નાસાની પ્રેસ સચિવ બેથની સ્ટીવન્સના જણાવ્યા અનુસાર નાસાએ ચીની નાગરિકોને લઈને આંતરિક પગલાં લીધાં છે. તેમાં અમારા કાર્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમારી સુવિધાઓ, સામગ્રી અને નેટવર્ક સુધીના શારીરિક અને સાઇબર સુરક્ષા પ્રવેશને મર્યાદિત કરવાનો સમાવેશ થાય છે. નાસામાં ચીની નાગરિકોને કોન્ટ્રાક્ટરો કે સંશોધનમાં યોગદાન આપતા વિદ્યાર્થીઓ તરીકે કામ કરવાની પરવાનગી હતી, તેમને સ્ટાફ તરીકે કામ કરવાની પરવાનગી નહોતી. પરંતુ હવે તેમને અચાનક IT સિસ્ટમમાંથી બહાર કાઢી દેવામાં આવ્યા છે. તેમને મીટીંગમાં હાજર રહેવા પર પણ રોક લગાવી દેવામાં આવી છે.

અમેરિકા અને ચીન વચ્ચે ચંદ્ર પર મિશન મોકલવાની હોડ

અમેરિકા અને ચીન ચંદ્ર પર પોતાનું મિશન મોકલવાની હોડમાં છે. નાસાનું આર્ટેમિસ કાર્યક્રમ અંતર્ગત, તે 2027 સુધીમાં અવકાશયાત્રીઓને ચાંદ પર મોકલવા માંગે છે. જોકે, તેની કિંમતમાં વધારો અને વિલંબ થઈ રહ્યો છે. બીજી તરફ, ચીન પોતાના ટાઇકોનોટ્સને 2030 સુધીમાં ચાંદ પર મોકલવા માગે છે. તેમનું કામ હાલ સમયસર ચાલી રહ્યું છે.

ચીન મંગળ ગ્રહ પર પહોંચવાની કોશિશમાં

ચીન મંગળની સપાટી પરથી નમૂના પાછો લાવનાર પ્રથમ દેશ બનવાનો પણ પ્રયાસ કરી રહ્યું છે.એટલાં માટે 2028માં એક રોબોટિક મિશન લોન્ચ કરવામાં આવશે. 2031 સુધી ત્યાંથી ખડકો પાછી લાવશે.  
  • Follow us on: