હવાઈ મુસાફરી કરતા નાગરિકો માટે એક અત્યંત રાહત અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. હવે એરપોર્ટ પર પ્રવેશ કરવાથી લઈને બોર્ડિંગ સુધી વારંવાર પાસપોર્ટ કે બોર્ડિંગ પાસ કાઢવાની કે લાંબી લાઇનોમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને 'ડિજી યાત્રા ફાઉન્ડેશન' દ્વારા આધુનિક ઈ-ગેટ ટેકનોલોજીનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે, જે હવે સ્થાનિક ફ્લાઇટ્સની સાથે-સાથે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે પણ શરૂ કરવામાં આવી રહી છે. આ નવી સિસ્ટમ હેઠળ મુસાફરનો ચહેરો જ તેનું પ્રાથમિક ઓળખ કાર્ડ અને બોર્ડિંગ પાસ બની જશે.
ડિજી યાત્રા ટેકનોલોજી શું છે અને તે કેવી રીતે કામ કરે છે?
આ અદ્યતન ટેકનોલોજીને 'ડિજી યાત્રા' તરીકે ઓળખવામાં આવે છે, જે સંપૂર્ણપણે ફેસ રેકગ્નિશન (ચહેરાની ઓળખ) ટેકનોલોજી પર આધારિત છે. એરપોર્ટના એન્ટ્રી ગેટ, સિક્યુરિટી ચેકપોઇન્ટ અને બોર્ડિંગ ગેટ પર ખાસ બાયોમેટ્રિક ઇ-ગેટ લગાવવામાં આવ્યા છે જે હાઇ-ટેક કેમેરાથી સજ્જ હોય છે. જ્યારે મુસાફર આ ગેટ પાસે પહોંચે છે, ત્યારે કેમેરા તેમના ચહેરાને સ્કેન કરે છે. સિસ્ટમમાં રહેલા ડેટા સાથે ચહેરો મેચ થતાં જ ઈ-ગેટ આપમેળે ખુલી જાય છે, જેનાથી મુસાફર વિના વિલંબ આગળ વધી શકે છે.
મુસાફરી દરમિયાન આ ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો?
આ પેપરલેસ અને કોન્ટેક્ટલેસ સેવાનો લાભ લેવા માટે મુસાફરોએ કેટલાક સરળ પગલાં અનુસરવાના રહેશે:
1. સૌથી પહેલા મોબાઈલ ફોનમાં 'ડિજી યાત્રા' એપ ડાઉનલોડ કરવી.
2. આઈડી પ્રૂફ સંબંધિત વિગતો દાખલ કરીને એકાઉન્ટ બનાવવું.
3. એપ પર પોતાની સ્પષ્ટ સેલ્ફી અપલોડ કરવી.
4. જ્યારે પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ બુક થાય, ત્યારે પ્રસ્થાનના થોડા કલાક પહેલાં એપ પર બોર્ડિંગ પાસ અને પાસપોર્ટની ડિજિટલ કોપી શેર કરવી.
એરપોર્ટ પર પહોંચ્યા બાદ માત્ર ઈ-ગેટના કેમેરા સામે જોવાથી વેરિફિકેશન સેકન્ડોમાં પૂર્ણ થઈ જશે.
મુસાફરોને થનારા મુખ્ય ફાયદાઓ:
આ ડિજિટલ સિસ્ટમથી મુસાફરોનો કિંમતી સમય મોટા પ્રમાણમાં બચશે. ચેક-ઇન, ઇમિગ્રેશન અને સુરક્ષા તપાસ માટે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની સમસ્યામાંથી મુક્તિ મળશે. આ ટેકનોલોજી સુરક્ષાની દૃષ્ટિએ પણ અત્યંત મજબૂત છે કારણ કે તે છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજોના જોખમને નાબૂદ કરે છે. સૌથી મોટી વિશેષતા એ છે કે મુસાફરોનો ડેટા સંપૂર્ણપણે એન્ક્રિપ્ટેડ રહે છે અને ટ્રિપ પૂરી થયાના ૨૪ કલાકની અંદર સિસ્ટમમાંથી આપમેળે ડિલીટ થઈ જાય છે.
આ પણ વાંચોઃ ALERT! આ બેંકના 10 હજારથી વધુ કર્મચારીઓ 2 અને 3 નવેમ્બરે ભૂખ હડતાળ પર