ભારતીય મૂળના અમેરિકન વૈજ્ઞાનિક અમિત ક્ષત્રિયની નિમણૂકથી અમેરિકાની ચંદ્ર અને મંગળ ગ્રહ માટેની મહત્વાકાંક્ષી યોજનાઓને નવી ગતિ મળશે. આ નાસાની સૌથી મોટી સિવિલ સર્વિસ ભૂમિકા માનવામાં આવે છે.
અમિત ક્ષત્રિય અને નાસા વચ્ચે સંબંધ
અમિત ક્ષત્રિય છેલ્લા 20 વર્ષથી નાસા સાથે સંકળાયેલા છે અને હવે તેઓ એજન્સીના ટોચના નેતૃત્વમાં જોડાયા છે. નાસાના કાર્યકારી એડમિનિસ્ટ્રેટર સીન પી. ડફીએ જાહેરાત કરી હતી કે અમિતની નિમણૂકથી અમેરિકાની ચંદ્ર અને મંગળ ગ્રહ માટેની મહત્વાકાંક્ષી યોજનાઓને નવી ગતિ મળશે. અમિત ક્ષત્રિયનો જન્મ અમેરિકાના વિસ્કોન્સિન રાજ્યમાં એક ભારતીય ઇમિગ્રન્ટ પરિવારમાં થયો હતો. તેમના પિતા એક એન્જિનિયર અને માતા એક રસાયણશાસ્ત્રી હતા. માતાપિતા હંમેશા શિક્ષણ, ગણિત અને વિજ્ઞાન પર ભાર મૂકતા હતા.
અમિત ક્ષત્રિયને સોંપાઇ નવી જવાબદારી
અમિત ક્ષત્રિયે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને યુનિવર્સિટી ઓફ ટેક્સાસ, ઓસ્ટિનમાં અભ્યાસ કર્યો હતો. તેઓ 2003માં નાસામાં જોડાયા અને ટૂંક સમયમાં એક સક્ષમ ફ્લાઇટ ડિરેક્ટર બન્યા હતા. ઇતિહાસમાં અત્યાર સુધી ફક્ત 100 લોકો જ નાસાના મિશન કંટ્રોલ ફ્લાઇટ ડિરેક્ટરની ભૂમિકા ભજવી શક્યા છે. અને અમિત તેમાંથી એક છે. નવી જવાબદારીમાં, અમિત નાસાના 10 સેન્ટર ડિરેક્ટર અને મિશન ડિરેક્ટોરેટના સહયોગી વહીવટકર્તાઓનું નેતૃત્વ કરશે. તેઓ નાસાના ચીફ ઓપરેટિંગ ઓફિસર અને સિનિયર સલાહકાર તરીકે પણ સેવા આપશે.
અમિત ક્ષત્રિયની નિમણૂંક થતા પરિવારમાં આનંદ
અમિત અગાઉ ચંદ્રથી મંગળ કાર્યક્રમના ડેપ્યુટી હેડ હતા. જ્યાં તેઓ આર્ટેમિસ અભિયાન હેઠળ ચંદ્ર પર માનવ મિશન અને ભવિષ્યના મંગળ મિશનની રૂપરેખા તૈયાર કરી રહ્યા હતા. ટ્રમ્પ વહીવટીતંત્રે અમિતની નિમણૂકને એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. તેમની ઉત્કૃષ્ટ સેવાઓ માટે, તેમને નાસા આઉટસ્ટેન્ડિંગ લીડરશીપ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, તેમને સિલ્વર સ્નૂપી એવોર્ડ પણ મળ્યો હતો. જે અવકાશયાત્રીઓ અવકાશ મિશનની સલામતી અને સફળતામાં અસાધારણ યોગદાન આપનારાઓને આપે છે.













