રશિયામાં સોશિયલ મીડિયા પર અંકુશ લાદવામાં આવ્યો. તાજેતરના અહેવાલો મુજબ, વોટ્સએપ, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા અગ્રણી આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ્સ પર રશિયામાં સરકારી અંકુશ અત્યંત કડક બન્યો છે. અગાઉ આ સાઇટ્સ પર હળવા નિયંત્રણો લાગુ કરાયા હતા, પરંતુ હવે તેને રશિયાના નેશનલ ડોમેન નેમ સિસ્ટમ (DNS) માંથી જ હટાવી દેવામાં આવ્યા છે. નિષ્ણાતોના મતે સરકારના આ નિર્ણયથી દેશમાં માહિતી મેળવવાની સ્વતંત્રતા પર મોટો ખતરો ઊભો થયો છે.
સોશિયલ મીડિયા રશિયા સરકારનો અંકુશ
રશિયન સરકાર દ્વારા સોશિયલ મીડિયા પર નિયંત્રણ બાદ વોટ્સએપ, યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામના વપરાશકર્તા અને બીબીસી (BBC), ડોઇશ વેલે (DW), રેડિયો ફ્રી યુરોપ જેવા આંતરરાષ્ટ્રીય મીડિયાને અસર થશે. સોશિયલ મીડિયા પર નિયંત્રણ ઉપરાંત પ્રાઇવસી ટૂલ્સ એટલે કે અનામી બ્રાઉઝિંગ માટે જાણીતું 'ટોર' (Tor) બ્રાઉઝર પણ બ્લોક કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રી સ્તરના સોશિયલ મીડિયા પર અંકુશ લાદતા રશિયાના સામાન્ય નાગરિકો હવે વૈશ્વિક સમાચાર સ્ત્રોતો અને સંદેશાવ્યવહારના પ્લેટફોર્મથી વંચિત થઈ ગયા છે.










