મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન ઈરાનની રાજધાની Tehranમાં થયેલા હુમલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો Israel Defense Forces (IDF) દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. IDFના જણાવ્યા મુજબ, આ હુમલો ‘ઓપરેશન રોરિંગ લાયન’ હેઠળ કરવામાં આવ્યો હતો અને તેનો હેતુ ઈરાની શાસન સાથે જોડાયેલા મહત્વના લક્ષ્યોને નિશાન બનાવવાનો હતો.
એક ઇમારત પર મિસાઈલ હુમલો
IDF દ્વારા શેર કરાયેલા વીડિયોમાં ગીચ વસ્તીવાળા શહેરી વિસ્તારમાં આવેલી એક ઇમારત પર મિસાઈલ હુમલો દેખાઈ રહ્યો છે. હુમલા પછી સ્થળ પરથી ધુમાડાના ગોટા ઉડતા જોવા મળે છે અને આસપાસનો વિસ્તાર નષ્ટ થતો નજરે પડે છે. વીડિયોને કેપ્શન આપતાં IDFએ લખ્યું કે, “ઓપરેશન ‘રોરિંગ લાયન’ શરૂ થયા પછી પહેલીવાર, ઇઝરાયલી વાયુસેના તેહરાનના હૃદયમાં ઈરાની શાસનના લક્ષ્યો પર હુમલો કરી રહી છે.”
Islamic Republic of Iran Broadcasting
અહેવાલો મુજબ, ફૂટેજમાં દેખાતી ઇમારત ઈરાનના રાજ્ય પ્રસારણકર્તા Islamic Republic of Iran Broadcasting (IRIB) સાથે સંકળાયેલી હોવાની શક્યતા છે. જોકે, IDFએ પોતાના સત્તાવાર નિવેદનમાં IRIBનું નામ સ્પષ્ટ રીતે લીધું નથી. તેના બદલે “શાસન માળખું” અને “લશ્કરી કમાન્ડ સેન્ટર” જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ઈરાનમાં તણાવ ચરમસીમાએ
આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ઈરાનમાં તણાવ ચરમસીમાએ છે. રવિવારે ઈરાનના સર્વોચ્ચ નેતા Ayatollah Ali Khameneiના મૃત્યુ બાદ દેશમાં રાજકીય અને સૈન્ય સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. ઈરાન દ્વારા બદલો લેવા અંગે પણ કડક નિવેદનો આપવામાં આવ્યા છે, જેના કારણે સમગ્ર પ્રદેશમાં અસુરક્ષા અને ભયનો માહોલ છે.
‘ઓપરેશન રોરિંગ લાયન’
‘ઓપરેશન રોરિંગ લાયન’ વિશે IDFએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં ઇઝરાયલી વાયુસેનાએ સતત મોટા પાયે હવાઈ હુમલા કરીને હવાઈ શ્રેષ્ઠતા સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે. તેહરાન સુધી પહોંચવા માટેનો માર્ગ સુરક્ષિત બનાવવા અને મુખ્ય શાસકીય માળખાને નિશાન બનાવવા માટે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
વિનાશકારી તસ્વીરો સંઘર્ષની ગંભીરતા
વિડિયોમાં દેખાતી વિનાશકારી તસ્વીરો સંઘર્ષની ગંભીરતા દર્શાવે છે. ગીચ વસ્તીવાળા વિસ્તારમાં હુમલા થવાના કારણે સામાન્ય નાગરિકોની સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત થઈ રહી છે. હાલ બંને પક્ષો તરફથી આક્રમક નિવેદનો આવી રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય સમુદાય પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છે. આ ઘટના મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવને વધુ ઘેરો બનાવે તેવી શક્યતા છે. જો પરિસ્થિતિ કાબૂમાં ન આવે, તો તેનો અસર વૈશ્વિક રાજકીય અને આર્થિક સ્તરે પણ જોવા મળી શકે છે.
આ પણ વાંચો : Iran Israel War : ઇઝરાયલ-ઈરાન તણાવ, જામકરન મસ્જિદ પર લાલ ધ્વજનો સંદેશ શું?