હોર્મુઝ સ્ટ્રેટમાં એક થાઈ કાર્ગો જહાજ પર બુધવારે થયેલા હુમલા બાદ થાઈલેન્ડે ઈરાન સરકારની વિરૂદ્ધ મોટો વિરોધ નોંધાવ્યો છે અને આ ઘટના માટે સત્તાવાર રીતે માફી માગવા કહ્યું છે. થાઈલેન્ડના વિદેશ મંત્રાલયે બેંગ્કોકમાં તૈનાત ઈરાની રાજદૂતને બોલાવીને આ ઘટના પર પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલામાં થાઈ કાર્ગો જહાજને સીધું જ નિશાન બનાવવામાં આવ્યું છે, જેમાં આગ લાગી ગઈ.
ઈરાની રાજદૂતે આશ્વાસન આપ્યું
વિદેશ મંત્રાલયના અધિકારીએ ઈરાની રાજદૂત સાથે મુલાકાત દરમિયાન આ ઘટના પર તથ્ય સ્પષ્ટ કરવાની માગ કરી છે. મંત્રાલય તરફથી ઈરાનને એક ઔપચારિક માફી જાહેર કરવા માટે પણ અનુરોધ કર્યો છે, જેથી આ તણાવપૂર્ણ સ્થિતિને શાંતિથી હલ કરી શકાય. આ સંદર્ભમાં ઈરાની રાજદૂતે ઘટના પર સંવેદના વ્યક્ત કરી અને આશ્વાસન આપ્યું કે થાઈલેન્ડને ઉચ્ચતમ સ્તર સુધી પહોંચાડવામાં આવશે.
જહાજ પર 20 ક્રૂ મેમ્બરને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા
તમને જણાવી દઈએ કે આ જહાજ પર 20 ક્રૂ મેમ્બરને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે અને તેમને કોઈ ગંભીર ઈજા પહોંચી નથી પણ 3 સભ્ય હજુ પણ ગુમ છે અને તેમની શોધખોળ ચાલી રહી છે. થાઈ અધિકારીઓએ જણાવ્યું કે બચાવવામાં આવેલા ક્રુ-મેમ્બરને શારીરીક ઈજા ના હોય પણ માનસિક તણાવ હોય શકે છે, તેથી તેમને મનોવૈજ્ઞાનિક મદદ આપવાની યોજના બનાવવામાં આવી રહી છે.
ખાડી દેશો પર હુમલા ચાલુ રહેશે: મોજતબા ખામેનેઈ
ઉલ્લેખનીય છે કે આ ઘટના હોર્મુઝ સ્ટ્રેટની સ્થિતિને ફરીથી ઉજાગર કરે છે અને ક્ષેત્રીય શાંતિને જાળવી રાખવા માટે તમામ પક્ષોને સંયમ રાખવાની જરૂર છે. થાઈલેન્ડે સ્પષ્ટ કર્યું છે કે આવા હુમલાને સહન કરવામાં નહીં આવે અને જલદી જ આ કેસમાં સમાધાન લાવવામાં આવશે. ત્યારે બીજી તરફ ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ કહ્યું કે ખાડી દેશો પર ઈરાનનો હુમલો ચાલુ રહેશે અને હોર્મુઝ સ્ટ્રેટથી કોઈ જહાજ જવા નહીં દઈએ.
આ પણ વાંચો : War Update: તેલ બજારમાં આગ હજુ યથાવત્ત, છતા Russiaએ મેળવ્યો નોંધપાત્ર આર્થિક લાભ, જાણો કેવી રીતે?