થાઈલેન્ડમાં ફરી એકવાર ભીષણ આગની ઘટના સામે આવી છે. દેશના પ્રવાસન સ્થળ ફુકેતમાં એક કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ લાગતાં 11 લોકોનાં મોત થયા છે, જ્યારે 16 લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટનામાં ભારે જાનહાનિની સાથે મોટું આર્થિક નુકસાન પણ થયું છે. આગ એટલી ભયાનક હતી કે આખી ઇમારત બળીને રાખ થઈ ગઈ હતી.

થાઈલેન્ડના પ્રવાસીઓમાં લોકપ્રિય ફુકેત ટાપુના પટોંગ વિસ્તારમાં આવેલા બીચ ટાઉનમાં આ ઘટના બની હતી. જે ઇમારતમાં આગ લાગી હતી ત્યાં પ્રવાસીઓને ભાડે વાહનો આપવાનો વ્યવસાય ચાલતો હતો. આગે આસપાસની ઇમારતોને પણ પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. આગ વહેલી સવારે લગભગ 3:17 વાગ્યે લાગી હતી. ફાયર ફાઇટર્સને આગ પર કાબૂ મેળવવામાં લગભગ 2 કલાકનો સમય લાગ્યો હતો.

https://x.com/ThaiEnquirer/status/2122154732315976094?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2122154732315976094%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

ઘાયલ થયેલા 16 લોકોમાં 15 થાઈ નાગરિકો અને મ્યાનમારનો એક નાગરિક સામેલ છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ ચાલી રહી છે. નોંધનીય છે કે લગભગ 4 મહિના પહેલાં બેંગકોકની એક બારમાં લાગેલી આગમાં આશરે 27 લોકોનાં મોત થયા હતાં.

ઝેરી ધુમાડામાં શ્વાસ રૂંધાતાં મોત

પટોંગ મ્યુનિસિપાલિટીના ડેપ્યુટી મેયર સનાકોર્ન કીસિનના જણાવ્યા અનુસાર, ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્ક કરેલી 100થી વધુ બાઇકમાં આગ લાગી હતી. ત્યારબાદ આગ ઝડપથી ઉપરની તરફ ફેલાઈ હતી. આગના કારણે ગાઢ ધુમાડો ફેલાતાં ઉપરના માળે રહેતા લોકો ફસાઈ ગયા હતા.

11 મૃતકોમાંથી મોટાભાગનાં લોકોના શ્વાસમાં ઝેરી ધુમાડો જવાથી થયાં હતાં. પ્રાથમિક તપાસમાં ઇમારત નજીક આવેલા વીજળીના થાંભલામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ દુર્ઘટનામાં 5 કોમર્શિયલ એકમો અને 100થી વધુ મોટરબાઇક બળીને ખાખ થઈ ગઈ છે.

ત્રીજા અને પાંચમા માળેથી મળી મૃતદેહો

પટોંગ મ્યુનિસિપાલિટીના ડેપ્યુટી મેયરના જણાવ્યા અનુસાર, ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર 100થી વધુ મોટરબાઇક પાર્ક કરવામાં આવી હતી, જ્યારે ઉપરના માળે લોકો રહેતા હતા.

શોર્ટ સર્કિટના કારણે નીકળેલી ચિનગારી બાઇકો પર પડતાં આગ લાગી હોવાની આશંકા છે. બાઇકમાં રહેલું ઇંધણ, રબરના ટાયર અને પ્લાસ્ટિકના ભાગોના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ અને ધુમાડાથી બચવા લોકો ઉપરના માળ તરફ દોડ્યા હતા, પરંતુ ગાઢ ધુમાડાના કારણે તેઓ બહાર નીકળી શક્યા નહોતા.

મૃતકોના મૃતદેહ ત્રીજા અને પાંચમા માળેથી મળી આવ્યા હતા, જ્યારે ઘાયલો બેભાન અવસ્થામાં 10મા માળેથી મળી આવ્યા હતા. જોકે, હાલ તેમની સ્થિતિ જોખમની બહાર હોવાનું જણાવવામાં આવ્યું છે.

5 મિનિટમાં બચાવ ટુકડી ઘટનાસ્થળે પહોંચી

પટોંગ પોલીસ સ્ટેશનના ડેપ્યુટી ઇન્વેસ્ટિગેશન ઇન્સ્પેક્ટરને આગની જાણ થતાં તેમણે ફાયર સ્ટેશનના સુપરિન્ટેન્ડેન્ટ પોલીસને માહિતી આપી હતી.

ત્યારબાદ પટોંગ મ્યુનિસિપાલિટીની આપત્તિ નિવારણ ટીમ, કુસોલધર્મ ફુકેટ ફાઉન્ડેશનના બચાવકર્મીઓ અને પટોંગ હોસ્પિટલની એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી.

વરસાદ હોવા છતાં એલર્ટ મળ્યાની લગભગ 5 મિનિટમાં જ મ્યુનિસિપલ ઇમરજન્સી ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે, ઇમારતમાં સળગી રહેલી વસ્તુઓ અને ગાઢ ધુમાડાના કારણે ફાયર ફાઇટર્સને આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી હતી.

બાઇકમાં રહેલા ઇંધણ અને ટાયરોના કારણે આગ વધુ ફેલાઈ

ફાયર ફાઇટર્સે લગભગ 2 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ બુઝાઈ ગયા બાદ પણ વીજળીના થાંભલા પરથી ચિનગારીઓ નીકળતી રહી હતી.

પ્રાથમિક આશંકા મુજબ, વીજળીના થાંભલામાં શોર્ટ સર્કિટ થતાં ચિનગારીઓ નજીક પાર્ક કરેલી મોટરબાઇક પર પડી હતી. ત્યારબાદ બાઇકમાં રહેલા જ્વલનશીલ પદાર્થોના કારણે આગ ફેલાઈ હતી. 

પટોંગ મ્યુનિસિપાલિટી અને કુસોલધર્મ ફુકેત ફાઉન્ડેશનની ટીમોએ અસરગ્રસ્ત ઇમારતોની તપાસ કરી હતી અને સુરક્ષાનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.