અમેરિકામાં New Jerseyથી વરિષ્ઠ પત્રકાર સમીર શુક્લએ સંદેશ ન્યૂઝ ડીજીટલને આ ખાસ અહેવાલ આપ્યો છે. જે મજૂબ અમેરિકાના મિનેપોલિસ (Minneapolis) અને સેન્ટ પોલ (Twin Cities) વિસ્તારમાં ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) દ્વારા ઇતિહાસનું સૌથી મોટું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરી માટે આશરે 2000 ફેડરલ એજન્ટો તૈનાત કરવામાં આવ્યા છે. હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોમ આ ઓપરેશનનું નિરીક્ષણ કરી રહ્યા છે.
મોટા પાયે છેતરપિંડી અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ
આ operation મુખ્યત્વે રાજ્યમાં ચાલી રહેલા મોટા પાયે છેતરપિંડી અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પકડવા માટે છે. અહેવાલો મુજબ, Operation Metro Surge અંતર્ગત અત્યાર સુધીમાં 1000 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ગંભીર ગુનાહિત રેકોર્ડ ધરાવતા વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ ઓપરેશનના કારણે સ્થાનિક સમુદાયો, ખાસ કરીને સોમાલી મૂળના લોકોમાં ભયનો માહોલ છે અને અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શનો પણ થઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનકાળ દરમિયાન અમેરિકાના વિવિધ રાજ્યોમાં ઇમિગ્રેશન કાયદાના કડક અમલીકરણ માટે અનેક મોટા ઓપરેશન્સ હાથ ધરવામાં આવ્યા છે:
મિનેસોટા
'ઓપરેશન મેટ્રો સર્જ' હેઠળ 2000 એજન્ટો સાથે સૌથી મોટું ઓપરેશન. જે અંતર્ગત 1000 લોકોની ધરપકડ થઈ ચૂકી છે.
કેલિફોર્નિયા
લોસ એન્જલસમાં 10,000 થી વધુ લોકોની ધરપકડ. ખેતીવાડી વિસ્તારોમાં પણ મોટા પાયે દરોડા.
ટેક્સાસ
બાંધકામ સાઇટ્સ અને વ્યવસાયો પર દરોડા. લારેડો અને એલેન જેવા શહેરોમાં સેંકડોની ધરપકડ.
જ્યોર્જિયા
સપ્ટેમ્બર 2025માં હ્યુન્ડાઇ બેટરી પ્લાન્ટ પર દરોડા પાડી 475 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
ઇલિનોઇસ
શિકાગોમાં 'ઓપરેશન મિડવે બ્લિટ્ઝ' દ્વારા 4,500 થી વધુ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરવામાં આવી હતી.
મેસેચ્યુસેટ્સ
'ઓપરેશન પેટ્રિઓટ 1.0 અને 2.0' હેઠળ 2,800 થી વધુ લોકોની અટકાયત કરાઈ હતી.
ફ્લોરિડા
'ઓપરેશન ક્રિમિનલ રિટર્ન' (ઓપરેશન ડર્ટબેગ) હેઠળ 220 થી વધુ ગુનાહિત તત્વોની ધરપકડ કરાઈ છે.
ICE દ્વારા હાથ ધરાયેલા ઓપરેશનોમાં નોંધપાત્ર વધારો
વરિષ્ઠ પત્રકાર સમીર શુક્લએ મિનેપોલિસ ઇમિગ્રેશન ઓપરેશનને લઈને સંદેશ ન્યુઝને વધુ વિગતો પૂરી પાડી છે. જે પ્રમાણે ટ્રમ્પના શાસનકાળ દરમિયાન અત્યાર સુધીમાં ICE દ્વારા હાથ ધરાયેલા ઓપરેશનોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને વર્કસાઇટ રેઇડ્સ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં ફેક્ટરીઓ, બાંધકામ સાઇટ્સ અને ચિકન પ્રોસેસિંગ પ્લાન્ટ્સ પર સીધા દરોડા પાડીને સામૂહિક ધરપકડ કરવામાં આવી છે. સાથે સાથે ICE દ્વારા ગુનાહિત રેકોર્ડ ધરાવતા લોકો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમાં ખૂન, બળાત્કાર અથવા ગેંગ વોર જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા વ્યક્તિઓને નિશાન બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 287(g) કરાર હેઠળ સ્થાનિક પોલીસને પણ ઇમિગ્રેશન એજન્ટ તરીકે કામ કરવાની સત્તા આપવામાં આવી છે, જેના કારણે ધરપકડની પ્રક્રિયા વધુ ઝડપી બની છે. ICEના આ સઘન ઓપરેશનોના પરિણામે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે, જ્યારે ગુનાહિત ઇતિહાસ ધરાવતા કેટલાક ક્રિમિનલ્સ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
આ પણ વાંચો : https://sandesh.com/world/news/rising-global-tensions-in-venezuela-russia-and-america-face-to-face