આજના સ્પર્ધાત્મક યુગમાં નોકરી માત્ર આજીવિકાનું સાધન નથી રહી, પરંતુ તે માનસિક તણાવનું મુખ્ય કારણ બની રહી છે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (ILO) ના તાજેતરના અહેવાલે દુનિયાભરમાં ખળભળાટ મચાવી દીધો છે. રિપોર્ટ અનુસાર, 'ટોક્સિક વર્ક કલ્ચર' અને કામના ભારણને કારણે વિશ્વમાં દર વર્ષે આશરે 8 લાખ 40 હજાર લોકોના મોત થાય છે.
શું છે સાયકોસોશિયલ રિસ્ક?
જ્યારે ઓફિસમાં કામનું દબાણ હદ બહાર વધી જાય, લાંબા કલાકો સુધી કામ કરવું પડે અને સતત નોકરી ગુમાવવાનો ડર સતાવતો હોય, ત્યારે કર્મચારી 'સાયકોસોશિયલ રિસ્ક' (મનોસામાજિક જોખમ) નો શિકાર બને છે. આ માનસિક તણાવ સીધી અસર હૃદય અને મગજ પર કરે છે, જેના પરિણામે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી જીવલેણ બીમારીઓનું પ્રમાણ વધ્યું છે. દુર્ભાગ્યપૂર્ણ રીતે, કેટલાક કિસ્સાઓમાં અતિશય તણાવને કારણે કર્મચારીઓ આત્મહત્યા જેવું અંતિમ પગલું પણ ભરે છે.
GDP ને મોટું નુકસાન
અહેવાલ મુજબ, આ માનસિક સ્વાસ્થ્યની કટોકટી માત્ર જીવ જ નથી લેતી, પરંતુ વૈશ્વિક અર્થતંત્રને પણ મોટો ફટકો મારે છે. અંદાજ છે કે કામના સ્થળે ખરાબ વાતાવરણને કારણે દર વર્ષે વૈશ્વિક GDP ના 1.37 ટકા જેટલું આર્થિક નુકસાન થાય છે. માંદગી અને અકાળે થતા મૃત્યુને કારણે લાખો કાર્યકારી કલાકો વેડફાય છે.
મૃત્યુના મુખ્ય કારણો
- ILO એ ડેટાના આધારે ચાર મુખ્ય જોખમો દર્શાવ્યા છે:
- જૉબ સ્ટ્રેન: ગજા બહારનું કામનું ભારણ.
- અન્યાયી વળતર: સખત મહેનત સામે ઓછો પગાર કે પ્રોત્સાહન.
- અસુરક્ષા: નોકરી છૂટી જવાનો સતત ભય.
- લાંબા કલાકો: આરામ વગર સતત કામની અપેક્ષા.
નિષ્ણાંતોનું માનવું છે કે કંપનીઓએ માત્ર ટાર્ગેટ પાછળ દોડવાને બદલે કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય અને ઓફિસની પોલિસીમાં સુધારો કરવો હવે અનિવાર્ય બન્યું છે.
આ પણ વાંચો:Jindo Miracle Sea:સમુદ્રના બે ભાગ અને વચ્ચે રસ્તો! જાણો દક્ષિણ કોરિયાના 'જિંદો મિરેકલ' પાછળનું રહસ્ય