અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને ફરી એકવાર કડક વલણ વ્યક્ત કર્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે તેમનું સૌથી મોટું અને સતત લક્ષ્ય ઈરાનને કોઈપણ સંજોગોમાં પરમાણુ હથિયાર મેળવતા રોકવાનું છે. તેમણે કહ્યું કે ઈરાન સાથે સમજૂતી કરવા માટે અમેરિકા કોઈ ઉતાવળમાં નથી.
https://truthsocial.com/@realDonaldTrump/117110334410901963
IRGCએ અમેરિકી રાષ્ટ્રપતિના દાવાને નકારી કાઢ્યો
ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકાએ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના અધિકારીઓ સાથે બેકચેનલ વાતચીતનો માર્ગ ખુલ્લો રાખ્યો છે. જોકે, ઈરાનની IRGCએ બાદમાં અમેરિકી રાષ્ટ્રપતિના આ દાવાને નકારી કાઢ્યો અને તેને ખોટો ગણાવ્યો છે. આ દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટને લઈને પણ તણાવ વધી રહ્યો છે. વિશ્વના મહત્વપૂર્ણ ઊર્જા માર્ગોમાં સામેલ આ જળમાર્ગમાંથી મોટા પ્રમાણમાં તેલ અને ગેસનું પરિવહન થાય છે. અહીં અવરોધ ઊભો થવાથી વૈશ્વિક ઊર્જા બજાર અને ઈંધણના ભાવ પર અસર થવાની આશંકા છે.
ટ્રમ્પે ઓમાનને પણ કડક ચેતવણી આપી
ટ્રમ્પે હોર્મુઝને લઈને ઓમાનને પણ કડક ચેતવણી આપી છે. અમેરિકા-ઈરાન વચ્ચે મધ્યસ્થી કરી રહેલા ઓમાનને લઈને ટ્રમ્પે કહ્યું કે જો તે અમેરિકાના પ્રયાસોમાં અડચણરૂપ બનશે તો ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. બીજી તરફ, ઈરાન અને ઓમાન હોર્મુઝમાંથી વેપારી જહાજોની સુરક્ષિત અવરજવર માટે માર્ગ નક્કી કરવા અંગે ચર્ચા કરી રહ્યા હોવાના અહેવાલ છે. આમ, એક તરફ બેકચેનલ કૂટનીતિના સંકેતો મળી રહ્યા છે તો બીજી તરફ ટ્રમ્પના કડક નિવેદનોને કારણે અમેરિકા-ઈરાન તણાવ યથાવત છે.
આ પણ વાંચો : Akhtar Merchant Extradition: દાઉદ ઇબ્રાહિમનો રાઇટ હેન્ડ અખ્તર મર્ચન્ટ ભારત ડિપોર્ટ થતા જ દિલ્હી એરપોર્ટથી કરાઇ ધરપકડ