અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે અને સંઘર્ષ ઓછો થવાના બદલે વધુ ઉગ્ર બની રહ્યો છે. અમેરિકી સૈન્ય દ્વારા ઈરાન પર સતત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, ત્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક પોસ્ટ શેર કરીને મોટો દાવો કર્યો છે.
હોર્મુઝ સ્ટ્રેટ અમેરિકાના નિયંત્રણમાં
ટ્રમ્પે ટ્રુથ પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝ સ્ટ્રેટ હવે લગભગ સંપૂર્ણપણે અમેરિકાના નિયંત્રણ હેઠળ છે. આ ઉપરાંત, તેમણે એમ પણ દાવો કર્યો છે કે અમેરિકાના સખત પ્રતિબંધો અને આક્રમક હુમલાઓને કારણે ઈરાનની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે બરબાદ થઈ રહી છે.
વાટાઘાટોની અટકળો ફગાવતા ટ્રમ્પનું મોટું નિવેદન
આ દરમિયાન, ટ્રમ્પે તે અહેવાલોને પણ સ્પષ્ટપણે ફગાવી દીધા છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે તેઓ ઈરાનને વાટાઘાટોના ટેબલ પર પાછા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેમને ઈરાન સાથે કોઈ સોદો કરવામાં કે વાતચીત માટે દબાણ કરવામાં કોઈ રસ નથી. તેમણે વર્તમાન પરિસ્થિતિ અંગે સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ઈરાનની અર્થવ્યવસ્થા તૂટી રહી છે અને હવે ઈરાની નાગરિકોએ જ પોતાની સરકાર સામે ઊભા થઈને લડવું પડશે. નોંધનીય છે કે ફેબ્રુઆરીમાં આ સંઘર્ષ શરૂ થયો ત્યારથી ટ્રમ્પ અવારનવાર હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ મેળવવાનો દાવો કરતા આવ્યા છે, જો કે તેહરાને હંમેશાં આ દાવાઓને ફગાવી દીધા છે અને દાવો કર્યો છે કે આ જળમાર્ગ હજુ પણ તેમના જ નિયંત્રણમાં છે.

અમેરિકી હુમલા સામે ઈરાનનો પલટવાર અને સૈન્ય દાવાઓ
અમેરિકા દ્વારા મંગળવારે કરવામાં આવેલા હુમલાઓના જવાબમાં ઈરાને પણ બદલો લેવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ દાવો કર્યો છે કે તેણે જોર્ડનના અકાબા નજીક આવેલા એક અમેરિકી મરીન બેઝ પર શક્તિશાળી બેલિસ્ટિક મિસાઈલથી નિશાન સાધ્યું છે, જેમાં મોટી સંખ્યામાં યુએસ સૈનિકો માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, આ દાવા અંગે અમેરિકા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. બંને દેશો વચ્ચેની આ હરીફાઈ અને લશ્કરી કાર્યવાહીને કારણે ખાડી ક્ષેત્રમાં યુદ્ધનું વાતાવરણ વધુ ગાઢ બન્યું છે, જેનાથી વૈશ્વિક સ્તરે સુરક્ષા અને ચિંતાઓ વધી ગઈ છે.
આ પણ વાંચોઃ Nepal Flood: નેપાળમાં પૂરે વેર્યો મહાવિનાશ, મૃત્યુઆંક વધીને 1,127ને પાર, 4000થી વધુ લોકો હજુ પણ ગુમ