અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાન પ્રત્યે અત્યંત આક્રમક વલણ અપનાવતા નવા વર્ષ બાદ તેહરાન પર સૈન્ય હુમલો કરવાની ખુલ્લી ચેતવણી આપી છે. રવિવારે 'ફોક્સ ન્યૂઝ' સાથેની વાતચીતમાં ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે જો બંને દેશો વચ્ચે કોઈ નક્કર સમજૂતી નહીં થાય, તો તેઓ નવા વર્ષ પછી ઈરાન પર હુમલાનો આદેશ આપી શકે છે. તેમણે ઈરાન સાથે ચાલી રહેલી રાજદ્વારી વાતચીતને સમયનો વ્યય ગણાવી હતી અને ઈરાની વાટાઘાટકારો પર મંત્રણા સ્થગિત કરવાનો આરોપ લગાવતા તેમને 'પ્રોફેશનલ ટેપ ડાન્સર' ગણાવ્યા હતા. ટ્રમ્પે કહ્યું કે તેઓ માત્ર વાતો કરે છે, પરંતુ પરિણામ શૂન્ય છે.
નૌકાદળની ઘેરાબંધી અને સીધી ચેતવણી
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે અમેરિકાએ ઈરાનના બંદરો પર નૌકાદળની ઘેરાબંધી (નેવલ સીઝ) કરી છે. ટ્રમ્પે આગાહી કરી હતી કે અમેરિકન અને ઈરાની દળો વચ્ચે જવાબી કાર્યવાહી ચાલુ રહેશે. તેમણે તેહરાનને પડકાર ફેંકતા કહ્યું કે જો ઈરાની દળો આ ઘેરાબંધી તોડવાનો પ્રયાસ કરશે, તો તેમના જહાજો પણ તેમના બાકીના નૌકાદળની જેમ સમુદ્રના તળિયે જશે. ટ્રમ્પે માહિતી આપી હતી કે પાછલા અઠવાડિયામાં ઈરાને સમગ્ર વર્ષમાં સૌથી વધુ ડ્રોન અને મિસાઈલો છોડ્યા હતા, પરંતુ અમેરિકન દળોએ તે તમામને તોડી પાડ્યા હતા અને કોઈ નુકસાન થવા દીધું નથી.
