અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ફરી એકવાર દાવો કર્યો છે કે તેઓએ ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયરના કારણે પરમાણુ યુદ્ધ અટકાવ્યું હતું. વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસમાં “Right About Everything” લખેલી ટોપી પહેરીને ટ્રંપે કહ્યું કે તેમના હસ્તક્ષેપથી બંને દેશો વચ્ચેનો ખતરનાક પરમાણુ સંઘર્ષ અટકી ગયો હતો. ટ્રંપે ભારપૂર્વક જણાવ્યું કે તે સમયે પરિસ્થિતિ અત્યંત ગંભીર હતી અને ભારત-પાકિસ્તાન બંને પરમાણુ યુદ્ધની દિશામાં આગળ વધી રહ્યા હતા, પણ તેમણે સમયસર દખલ આપી તે સ્થિતિને કાબૂમાં લીધી.
ભારતે ટ્રંપના દાવાને વારંવાર નકારી કાઢ્યો છે
ઉલ્લેખનિય છે કે ટ્રમ્પ અગાઉ વારંવાર આવા દાવા કરી ચુક્યા છે પણ ભારતે ટ્રંપના દાવાને અનેક વખત ખંડન કર્યું છે. નવી દિલ્હીનું સ્પષ્ટ વલણ છે કે સીઝફાયર (સંઘર્ષવિરામ) કોઇ તૃતીય દેશની મધ્યસ્થીથી નહીં, પરંતુ ભારત અને પાકિસ્તાનની સેનાઓના ડિરેક્ટર જનરલ્સ ઑફ મિલિટરી ઑપરેશન્સ (DGMO) વચ્ચે સીધી વાતચીતથી લાગુ પડ્યું હતું. ભારતે એ પણ સ્પષ્ટ કહ્યું હતું કે પાકિસ્તાને સંઘર્ષવિરામ માટે ત્યારે જ સંમતિ આપી, જ્યારે તેને ઓપરેશન સિન્દૂર દરમિયાન ભારે નુકસાન થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં પણ કહ્યું હતું કે ઓપરેશન સિન્દૂર બંધ કરવાનો નિર્ણય સંપૂર્ણપણે ભારતનો હતો અને તેમાં કોઈ વિદેશી નેતાની ભૂમિકા નહોતી.
ટ્રંપ વારંવાર એ જ દાવો કરી રહ્યા છે
ટ્રંપે 10 મેથી સોશિયલ મીડિયા પર પહેલી વખત લખ્યું હતું કે વોશિંગટને ભારત અને પાકિસ્તાન વચ્ચે "સંપૂર્ણ અને તાત્કાલિક" સીઝફાયર કરાવ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે એ માટે આખી રાત લાંબી વાતચીત થઈ હતી. ત્યારથી ટ્રંપ અત્યાર સુધીમાં જાહેર રીતે 40થી વધુ વખત દાવો કરી ચૂક્યા છે કે તેમણે બંને દેશો વચ્ચેનો તણાવ ઘટાડ્યો અને પરમાણુ યુદ્ધ અટકાવ્યું.
રશિયા-યુક્રેન યુદ્ધ અંગે કહ્યું: મોટો નિર્ણય લેશે
ભારત અને પાકિસ્તાન અંગેના દાવાઓ સાથે ટ્રંપે યુક્રેન યુદ્ધ પર પણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે આગામી બે અઠવાડિયામાં તેઓ એક "મોટો અને મહત્વપૂર્ણ" નિર્ણય લેવા જઈ રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર એ નિર્ણય રશિયા પર કડક પ્રતિબંધ લગાવવાનો હોઈ શકે છે, અથવા રશિયન માલ પર ભારે ટેરિફ (શુલ્ક) લાદવાનો હોઈ શકે છે. ટ્રંપે એ પણ કહ્યું કે શક્ય છે કે અમેરિકા આ યુદ્ધમાંથી સંપૂર્ણપણે દૂર થઈ જાય અને સ્પષ્ટ કહી દે કે "આ અમારી નહીં, પણ યુક્રેનની લડાઈ છે."
પુતિન અને ઝેલેન્સ્કી વચ્ચે મુલાકાત કરાવવાનું ટ્રમ્પે કહ્યું
ટ્રંપે આગળ જણાવ્યું કે તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીની સામસામે બેઠક કરાવવાની ઈચ્છા રાખે છે. તેમણે કહ્યું કે યુદ્ધ ખતમ કરવા માટે બંને નેતાઓનું સામસામે મળવું ખૂબ જરૂરી છે. ટ્રંપે ઉમેર્યું: "ટેંગો ડાન્સ માટે બે લોકો જોઈએ, જો બંને ન મળે તો મારી કોશિશનો અર્થ શું રહે?"
ટ્રંપે દાવો કર્યો: અત્યાર સુધીમાં સાત યુદ્ધો અટકાવ્યાં
આ દરમિયાન ટ્રંપે આ પણ દાવો કર્યો કે અત્યાર સુધીમાં તેમણે સાત યુદ્ધો ખતમ કર્યા છે અને ત્રણ એવા યુદ્ધોને અટકાવ્યાં છે, જે શરૂ થવાના હતા. કુલ મળીને દસ યુદ્ધોના નિવારણમાં તેમનું યોગદાન રહ્યું હોવાનો તેમણે દાવો કર્યો. જોકે તેમણે એ સ્પષ્ટ નહોતું કર્યું કે કયા કયા યુદ્ધોની તેઓ વાત કરી રહ્યા છે.