દુનિયાભરમાં દિવાળીની ધૂમ જોવા મળી રહી છે. પ્રકાશના આ પર્વને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે. જોકે, આ દરમિયાન અમેરિકામાં દિવાળીની ઉજવણી વચ્ચે વંશીય નફરતનો મામલો સામે આવ્યો છે. અમેરિકાના દક્ષિણપંથી કાર્યકર જેક લેંગે સિએટલમાં દિવાળીના કાર્યક્રમમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઉપરાંત તેણે સોશિયલ મીડિયા પર હિન્દુ સમુદાય વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ પણ કરી હતી. લેંગે મધ્યસત્ર ચૂંટણી (મિડટર્મ ઇલેક્શન)માં રિપબ્લિકન પાર્ટીની હારને લઈને નારાજગી વ્યક્ત કરી હતી અને ટ્રમ્પની હારનો ગુસ્સો હિન્દુઓ પર ઠાલવ્યો હતો.
મળતી માહિતી મુજબ, શનિવારે (સ્થાનિક સમય અનુસાર) અમેરિકાના દક્ષિણપંથી કાર્યકર જેક લેંગે વોશિંગ્ટનના સિએટલમાં યોજાયેલા દિવાળીના કાર્યક્રમમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ત્યાં હાજર કેટલાક લોકોએ તેને રોકી દીધો હતો.
આ દરમિયાન લેંગ અને તેની સાથે આવેલા પ્રદર્શનકારીઓના હાથમાં 'ડિપોર્ટ ઓલ ડોટ હેડ્સ' (તમામ ભારતીયોને દેશમાંથી બહાર કાઢો) લખેલાં બેનર હતાં. જોકે, કાર્યક્રમમાં હાજર લોકોએ તેમને આગળ વધતા અટકાવ્યા હતા.
જૅક લેંગે તસવીરો કરી શેર
જેક લેંગે દિવાળીના કાર્યક્રમમાં વિક્ષેપ પાડવાના પોતાના પ્રયાસની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ સાથે તેણે હિન્દુઓ વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ પણ કર્યો હતો. તેણે દાવો કર્યો હતો કે ડેમોક્રેટ્સ માટે ટેક્સાસને 'બ્લૂ' (ડેમોક્રેટિક પાર્ટીના સમર્થનમાં) બનાવવામાં હિન્દુઓ જવાબદાર છે.
જેક લેંગે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, 'સિએટલ દિવાળી ફેસ્ટિવલમાં ડઝનબંધ એન્ટિફા (ANTIFA) અને હિન્દુઓએ અમારા પર હુમલો કર્યો!!!! લાગે છે કે તેમને અમારું 'ડિપોર્ટ ઓલ ડોટ હેડ્સ' લખેલું બોર્ડ પસંદ આવ્યું નથી!!! હિન્દુઓએ ટેક્સાસને 'બ્લૂ' બનાવી દીધું. તેઓ જાય ભાડમાં.'
મધ્યસત્ર ચૂંટણીને લઈને લેંગે કર્યો દાવો
લેંગે દાવો કર્યો હતો કે અમેરિકાની મધ્યસત્ર ચૂંટણી (મિડટર્મ ઇલેક્શન)નાં પરિણામોમાં ગેરરીતિ થઈ હતી. તેના મતે, ટેક્સાસ અને કેન્સાસ જેવા રાજ્યોમાં રિપબ્લિકન પાર્ટીના ગઢ ગણાતી 'રેડ વોલ' તૂટી ગઈ હતી.
6 જાન્યુઆરીના હુમલાની વર્ષગાંઠની આસપાસ વિરોધ પ્રદર્શનનું આહ્વાન કરતાં લેંગે કહ્યું હતું કે, '3 જાન્યુઆરી, 2027ના રોજ ક્રિશ્ચિયન ક્રુસેડર્સ (ઈસાઈ ધર્મયોદ્ધાઓ) વોશિંગ્ટન ડીસીમાં અમેરિકન કેપિટલ પહોંચશે અને આ કથિત ગેરરીતિપૂર્ણ મધ્યસત્ર ચૂંટણીનાં પરિણામોને પ્રમાણિત કરવાની પ્રક્રિયાનો વિરોધ કરશે.'
ટેક્સાસમાં જેમ્સ તાલારિકોએ સેનેટર તરીકે અને જીના હિનોજોસાએ ગવર્નર તરીકે જીત મેળવ્યા બાદ સમગ્ર રાજ્ય 'બ્લૂ' (ડેમોક્રેટિક પાર્ટીનો રંગ) બની ગયું હોવાનો પણ લેંગે દાવો કર્યો હતો.
https://x.com/JakeLang/status/2119218380712620490?a=5f7lNhx7WJfkHdoKxKU&s=20
અમેરિકન કેપિટલ પરના હુમલામાં સામેલ હતો લેંગ
'વ્હાઇટ રિપ્લેસમેન્ટ' નામનું સંગઠન ચલાવતો જેક લેંગ 6 જાન્યુઆરી, 2021ના રોજ અમેરિકન કેપિટલ (સંસદ ભવન) પર થયેલા હુમલામાં સામેલ હતો. આ કેસમાં તેણે ચાર વર્ષ જેલની સજા ભોગવી હતી. જોકે, વર્ષ 2025માં પોતાના બીજા કાર્યકાળના પ્રથમ જ દિવસે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જેક લેંગને માફી આપી દીધી હતી.
તાજેતરમાં એક હિન્દુ મંદિરને બનાવાયું હતું નિશાન
આ સમગ્ર ઘટનાક્રમના થોડા દિવસો પહેલાં જ બીજી એક ઘટના સામે આવી હતી. જેમાં એક દક્ષિણપંથી કાર્યકર્તાએ શિકાગો નજીક આવેલા હિન્દુ મંદિરને નિશાન બનાવવાનું કાવતરું ઘડ્યું હોવાનો આરોપ હતો. હિન્દુ મંદિરમાં મોટા પાયે ગોળીબાર કરવાની ધમકી મળ્યા બાદ તપાસ દરમિયાન 19 વર્ષીય શંકાસ્પદ એલેક્ઝાન્ડ્રોસ પેપોરાકિસની ધરપકડ કરવામાં આવી હતી.
નાઝી વિચારધારામાં માનતા પેપોરાકિસે કથિત રીતે હિન્દુ મંદિરમાં મોટા પાયે ગોળીબાર કરવાની યોજના બનાવી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d