વર્ષ 2026 માં અમેરિકા પોતાની સ્વતંત્રતાની 250મી વર્ષગાંઠ ઉજવવા જઈ રહ્યું છે. આ ઐતિહાસિક અવસરને યાદગાર બનાવવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ મિન્ટ દ્વારા ખાસ સ્મારક સિક્કાઓ જાહેર કરવાની યોજના છે. જોકે, આ યોજનામાં સૌથી વધુ ચર્ચા ડોનાલ્ડ ટ્રમ્પની છબી ધરાવતા 24 કેરેટ સોનાના સિક્કાની પણ થઈ રહી છે.

ચલણ પર ટ્રમ્પનો ચહેરો?

પ્રસ્તાવિત ડિઝાઇનમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વ્હાઇટ હાઉસના પ્રખ્યાત 'રિઝોલ્યુટ ડેસ્ક' પાસે ઉભેલા દર્શાવવામાં આવશે. જો આ સિક્કો અમલમાં આવશે, તો અમેરિકાના ઇતિહાસમાં આ બીજી એવી ઘટના હશે જ્યારે કોઈ જીવંત રાષ્ટ્રપતિની છબી સિક્કા પર દેખાશે. આ પહેલા વર્ષ 1926 માં અમેરિકાની 150મી વર્ષગાંઠ પર તત્કાલીન રાષ્ટ્રપતિ કેલ્વિન કૂલીજની છબી જ્યોર્જ વોશિંગ્ટન સાથે સિક્કા પર અંકિત કરવામાં આવી હતી.

https://twitter.com/RpsAgainstTrump/status/2034763739442901030

જો ચલણ બહાર પાડશે તો કાયદા વિરુદ્ઘ ગણાશે

અમેરિકાનો સંઘીય કાયદો સામાન્ય રીતે ચલણી સિક્કાઓ કે નોટો પર કોઈપણ જીવંત વ્યક્તિની છબી મૂકવાની મનાઈ ફરમાવે છે. આ પાછળનો તર્ક એ છે કે લોકશાહીમાં વ્યક્તિપૂજાને સ્થાન ન હોવું જોઈએ. જોકે, સિક્કાના સમર્થકો અને અધિકારીઓ દલીલ કરી રહ્યા છે કે આ કોઈ સામાન્ય ચલણ (Currency) નથી, પરંતુ એક 'સ્મારક સિક્કો' (Commemorative Coin) છે. આ તકનીકી ભેદને કારણે ટ્રેઝરી સેક્રેટરી પાસે તેના ઉત્પાદન અંગે અંતિમ નિર્ણય લેવાની સત્તા રહે છે.

સિક્કા પર છબી મૂકવી રાજાશાહીનું પ્રતીક

ડેમોક્રેટિક નેતાઓએ આ પગલાનો સખત વિરોધ કર્યો છે. જેફ મર્કલી જેવા નેતાઓનું કહેવું છે કે સિક્કા પર જીવંત નેતાઓની છબી મૂકવી એ રાજાશાહી કે સરમુખત્યારશાહીનું પ્રતીક છે, જે અમેરિકન લોકશાહીના મૂલ્યોની વિરુદ્ધ છે. ટીકાકારો એમ પણ કહે છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર સરકારી ઈમારતો અને સ્મારકો પર પોતાનું નામ અંકિત કરીને વ્યક્તિગત પ્રચાર કરી રહ્યું છે.

આ પણ વાંચોઃ હવે ઇરાન VS 22 દેશો...NATO ચીફે હોર્મુઝ સ્ટ્રેટ પર આપ્યા મોટા સંકેત