મિડલ ઈસ્ટમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે અને ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાવા લાગ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ચેતવણી આપતા મોટી જાહેરાત કરી છે. ટ્રમ્પે જણાવ્યું છે કે અમેરિકી સેના ઈરાનના સૌથી સુરક્ષિત અને કિલ્લેબંધ પરમાણુ ક્ષેત્ર 'પિકએક્સ માઉન્ટેન' (Pickaxe Mountain) ને નિશાન બનાવવાની તૈયારી કરી રહી છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન ટ્રમ્પે કડક શબ્દોમાં કહ્યું, "અમે પિકએક્સ માઉન્ટેનને નિશાન બનાવવા જઈ રહ્યા છીએ. ઈરાનીઓને કહી દો કે તેઓ તૈયાર રહે."

અમેરિકાના બોમ્બ પણ જ્યાં બેઅસર છે તેવું સુરક્ષિત બંકર

'પિકએક્સ માઉન્ટેન' ઈરાનની પ્રખ્યાત નતાન્ઝ યુરેનિયમ સંવર્ધન સુવિધાની નજીક આવેલું છે. આ એક અત્યંત મજબૂત અને પહાડોની વચ્ચે બનેલી કિલ્લેબંધ જગ્યા છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે, આ પહાડની નીચે જમીનમાં ખૂબ જ ઊંડે બે મજબૂત ટનલ (સુડંગ) કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યા છે. આ બંકરો એટલા સુરક્ષિત છે કે અમેરિકાના સૌથી ઘાતક અને શક્તિશાળી 'બંકર બસ્ટર' બોમ્બ પણ તેને સરળતાથી નુકસાન પહોંચાડી શકે તેમ નથી. છતાં ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકા આ જગ્યા પર સતત નજર રાખી રહ્યું છે.

પરમાણુ કાર્યક્રમ અને સમુદ્રી ઘેરાબંધી

રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ યોગ્ય રીતે આગળ વધી શકતો નથી, કારણ કે જ્યારે પણ અમેરિકાને આ અંગે કોઈ ગુપ્ત માહિતી મળે છે, ત્યારે તે તેને નષ્ટ કરી દે છે. આ જ કારણે ઈરાન હવે આ મુદ્દે વાત કરવાનું ટાળી રહ્યું છે. આ ઉપરાંત, ટ્રમ્પે અખાતી દેશોના વિસ્તારમાં ઈરાની જહાજોની ઘેરાબંધી ફરી શરૂ કરવાની પણ જાહેરાત કરી છે. તેમણે ઉમેર્યું કે હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) ને ખુલ્લી રાખવાની જવાબદારી અમેરિકા ઉઠાવશે, પરંતુ તેના બદલામાં ફી વસૂલવામાં આવશે.

ટ્રમ્પની કડક ચેતવણી

બંને દેશો વચ્ચે તાજેતરમાં થયેલા મિસાઈલ અને ડ્રોન હુમલા બાદ આ નિર્ણય લેવાયો છે. હ્યુ હેવિટ શોમાં ટ્રમ્પે આક્રમક અંદાજમાં કહ્યું, "આજે રાત્રે અમે તેમના પર બહુ જોરદાર હુમલો કરવાના છીએ અને આવતીકાલે પણ અમારો પ્રહાર ચાલુ રહેશે. ઈરાન આ બાબતમાં કંઈ જ કરી શકશે નહીં." અમેરિકાના આ આકરા વલણ બાદ હવે મિડલ ઈસ્ટમાં ગમે ત્યારે મોટો ભડકો થવાની આશંકા સેવાઈ રહી છે.

આ પણ વાંચો:Iran US Conflict: અમે હોર્મુઝ ચલાવીશું અને ઘણા દેશો પાસેથી નોંધપાત્ર વળતર મેળવીશું, ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત