ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા પોતાની બેબાક શૈલી અને અન્ય દેશોના નેતાઓ સાથેની ખાનગી વાતચીત જાહેર કરવા માટે જાણીતા રહ્યા છે. તાજેતરમાં હાઉસ GOP એટલે કે રિપબ્લિકન પાર્ટીની એક બેઠકમાં બોલતા, ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત અને વાતચીતના અંશો જાહેર કરીને ફરી એકવાર ચર્ચા જગાવી છે.

'સર' કહીને સંબોધન અને અપાચી ડીલનો ઉલ્લેખ

 ટ્રમ્પે દાવો કર્યો કે ભારતની રક્ષા ખરીદી અને ખાસ કરીને અપાચી હેલિકોપ્ટરોની અટકેલી ડિલિવરી અંગે પીએમ મોદીએ તેમનો સંપર્ક કર્યો હતો. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, મોદીએ તેમને 'સર' કહીને સંબોધ્યા હતા અને વિનંતી કરી હતી કે હેલિકોપ્ટરોનો ઓર્ડર છેલ્લા પાંચ વર્ષથી પેન્ડિંગ છે. ટ્રમ્પે આ વાતચીતને પોતાના અંદાજમાં રજૂ કરતા કહ્યું કે પીએમ મોદી તેમને મળવા માગતા હતા અને આ મુદ્દે ગંભીર ચર્ચા થઈ હતી.

ટેરિફ અને રશિયન તેલ અંગે મોટા દાવા

માત્ર સંરક્ષણ જ નહીં, પરંતુ વેપારના મુદ્દે પણ ટ્રમ્પે ખુલીને વાત કરી. તેમણે દાવો કર્યો કે ભારત પર લાદવામાં આવેલા નવા ટેરિફને કારણે પીએમ મોદી તેમનાથી ખાસ ખુશ નથી. ટ્રમ્પના મતે, હવે ભારતને અમેરિકા સાથેના વેપારમાં મોટો ટેરિફ ચૂકવવો પડી રહ્યો છે. આ ઉપરાંત, ટ્રમ્પે એક મહત્વનો મુદ્દો એ પણ ઉઠાવ્યો કે ભારતે રશિયા પાસેથી તેલની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. જે વૈશ્વિક રાજનીતિની દ્રષ્ટિએ મોટું નિવેદન ગણી શકાય.

પીએમ મોદીના સંબંધોને કહ્યા મૈત્રીપૂર્ણ

પુતિન હોય કે કિમ જોંગ ઉન, ટ્રમ્પ અગાઉ પણ ટોચના નેતાઓ સાથેની ખાનગી પળોને જાહેર મંચ પર વધારી-ચઢાવીને રજૂ કરી ચૂક્યા છે. જોકે પીએમ મોદી સાથેના તેમના સંબંધો હંમેશા મૈત્રીપૂર્ણ રહ્યા છે, પરંતુ જાહેર મંચ પર આ પ્રકારની વાતોના ખુલાસાથી રાજદ્વારી વર્તુળોમાં આશ્ચર્ય સર્જાયું છે. આ કિસ્સો ફરી એકવાર સાબિત કરે છે કે ટ્રમ્પ પોતાની અંગત વાત જનતા સમક્ષ રજૂ કરવામાં કોઈ સંકોચ અનુભવતા નથી.


  • Follow us on: