અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂયોર્ક સિટીના નવા ચૂંટાયેલા મેયર ઝોહરાન મમદાનીના જીતના ભાષણને “ખૂબ ગુસ્સાભર્યું” ગણાવ્યું છે. ટ્રમ્પે કહ્યું કે જો મમદાની વોશિંગ્ટન સાથે આદરપૂર્વક વર્તન નહીં કરે, તો તેમની સફળતાની કોઈ સંભાવના નહીં રહે. માયામીમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું, હા, મને લાગ્યું કે એ ખૂબ ગુસ્સાભર્યું ભાષણ હતું, ખાસ કરીને મારા વિરુદ્ધ. મને લાગે છે કે તેમને મારી સાથે ખૂબ સારું વર્તન કરવું જોઈએ. આખરે, હું જ એ વ્યક્તિ છું જે તેમના માટે ઘણી બાબતોને મંજૂરી આપે છે. તેઓ ખૂબ ખરાબ શરૂઆત કરી રહ્યા છે.

હવે ઇમિગ્રન્ટ જ ન્યૂયોર્કનું નેતૃત્વ કરશે

મમદાનીએ પોતાના જોરદાર ભાષણમાં ટ્રમ્પને સીધો પડકાર આપી અને રાજકીય ખાનદાનને ખતમ કરવાની ઘોષણા કરી. ટ્રમ્પની ઇમિગ્રેશન અંગેની કડક નીતિ વચ્ચે મમદાનીએ કહ્યું કે ન્યૂયોર્ક ઇમિગ્રન્ટ્સથી ચાલે છે અને હવે ઇમિગ્રન્ટ જ તેનો નેતા બનશે. તેમણે તાળીઓના ગડગડાહટ વચ્ચે કહ્યું, આખરે, જો કોઈ વ્યક્તિ ડોનાલ્ડ ટ્રમ્પથી છેતરાયેલા રાષ્ટ્રને શીખવી શકે કે તેમને કેવી રીતે હરાવવાના, તો એ એજ શહેર છે જેણે ટ્રમ્પને જન્મ આપ્યો. અને જો કોઈ તાનાશાહને ડરાવવો હોય, તો તેની સત્તા સુધી પહોંચવાના રસ્તાઓ જ બંધ કરી દો.

ન્યૂયોર્ક ઇમિગ્રન્ટ્સનું શહેર રહેશે

મમદાનીએ આગળ કહ્યું, આ માત્ર ટ્રમ્પને રોકવાનો રસ્તો નથી, આ આગામી ટ્રમ્પને પણ રોકવાનો રસ્તો છે. તો ડોનાલ્ડ ટ્રમ્પ, કારણ કે મને ખબર છે તમે જોઈ રહ્યા છો, તમારા માટે ચાર શબ્દો ‘Turn the volume up’ મમદાનીએ પોતાના ભાષણમાં યુનિયનો સાથે ઊભા રહેવાની અને મજૂરોના હકોને મજબૂત કરવાની વાત કરી. તેમણે કહ્યું, ન્યૂયોર્ક ઇમિગ્રન્ટ્સનું શહેર રહેશે. ઇમિગ્રન્ટ્સે તેને બનાવ્યું, ઇમિગ્રન્ટ્સ તેને ચલાવે છે અને આજ રાતથી ઇમિગ્રન્ટ જ તેનુ નેતૃત્વ કરશે. તો પ્રેસિડેન્ટ ટ્રમ્પ, સાંભળી લો અમારામાંથી કોઈ સુધી પહોંચવા માટે તમને અમારાં બધાં વચ્ચે થી પસાર થવું પડશે.

આ તેમના માટે ખૂબ જોખમી નિવેદન છે

ટ્રમ્પે મમદાનીના આ હુમલા પર કહ્યું કે આ તેમના માટે ખૂબ જોખમી નિવેદન છે. તેમણે કહ્યું, આ તેમના માટે ખૂબ જોખમી વાત છે. તેમને વોશિંગ્ટન પ્રત્યે થોડો આદર બતાવવો જોઈએ, નહીં તો સફળતાની કોઈ આશા નહીં રહે. ટ્રમ્પે કહ્યું કે તેઓ મમદાનીને સફળ થતા જોવા નથી માગતા, પરંતુ શહેરને જરૂર સફળ થતા જોવા માગે છે. તેમણે કહ્યું, હું શહેરને સફળ થતું જોવું ઇચ્છું છું, જોઈએ શું થાય છે.

  • Follow us on: