તાજેતરમાં સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) અને ઈરાન વચ્ચેના સંબંધોમાં અચાનક મોટી ખટાશ આવી છે. યુએઈના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, મંગળવારે ઈરાન તરફથી આવતી બે બેલિસ્ટિક મિસાઈલો તેમની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ શોધી કાઢી હતી. આ ઘટના બાદ તરત જ યુએઈના નાગરિકોના મોબાઈલ ફોન પર મિસાઈલ એલર્ટ મોકલવામાં આવ્યું હતું. આ ગંભીર ઘટનાના પ્રતિભાવમાં, યુએઈએ આગામી સૂચના ન મળે ત્યાં સુધી ઈરાન સાથેના તમામ વેપાર, વાણિજ્યિક આદાનપ્રદાન અને નાણાકીય વ્યવહારો સંપૂર્ણપણે સ્થગિત કરી દીધા છે.

મિસાઈલ હુમલાનો ઈરાનનો ઇનકાર

યુએઈના દાવા મુજબ, આ બંને મિસાઈલો નૌકાદળના જહાજોને નિશાન બનાવવા માટે છોડવામાં આવી હતી. જેમાંથી એક મિસાઈલ યુએઈના જળક્ષેત્રની બહાર અને બીજી અંદર પડી હતી, જોકે સદ્ભાગ્યે કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી. બીજી તરફ, ઈરાને આ તમામ આરોપોને સખત શબ્દોમાં ફગાવી દીધા છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાઘાઈએ યુએઈના આ દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા છે અને પ્રદેશના દેશોને શાંતિ ડહોળનારા આવા આરોપોથી દૂર રહેવા ચેતવણી આપી છે.

સુધરતા સંબંધોને મોટો ફટકો

આ નિર્ણય ખૂબ જ આશ્ચર્યજનક અને મહત્વપૂર્ણ છે કારણ કે છેલ્લા કેટલાક સમયથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં ધીમે ધીમે સુધારો જોવા મળી રહ્યો હતો.બંને દેશો વચ્ચે કેટલીક વેપારી પ્રવૃત્તિઓ ફરી શરૂ થઈ હતી. ઈરાની ફ્લાઇટ્સનું યુએઈમાં ફરીથી આગમન શરૂ થયું હતું.દુબઈમાં ઈરાની વ્યવસાયો ફરી ધમધમતા થયા હતા.અગાઉ યુએઈની બહાર રહેલા આશરે ૨૦,૦૦૦ ઈરાની નાગરિકોને પરત ફરવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ, યુએઈના વિદેશ મંત્રાલયના સંચાર નિર્દેશક પ્રમાણે પ્રદેશમાં વધતો તણાવ શાંતિ અને સુરક્ષા માટે મોટો ખતરો છે, જેના કારણે અનિશ્ચિત સમય માટે આ આર્થિક પ્રતિબંધો લાદવા પડ્યા છે.

હોર્મુઝની ખાડીમાં વધતો ખતરો

આ ઘટનાની સીધી અસર હોર્મુઝ સ્ટ્રેટ (હોર્મુઝની ખાડી) પર પડી શકે છે, જે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ક્રૂડ ઓઈલ અને LNG (લિક્વિફાઈડ નેચરલ ગેસ) રૂટ પૈકીનો એક છે.વિશ્વના કુલ તેલ અને LNG ના લગભગ ૨૦% ભાગનું પરિવહન આ જ માર્ગે થાય છે.યુદ્ધ અને સતત તણાવને કારણે અહીં શિપિંગ ટ્રાફિકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.તાજેતરમાં યુએઈએ ઈરાન પર પોતાની સરકારી ઓઈલ કંપની (ADNOC) ના જહાજો પર હુમલો કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.આ ઘટના દર્શાવે છે કે મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ બની ગઈ છે અને તેના વૈશ્વિક અર્થતંત્ર પર પણ ગંભીર પરિણામો આવી શકે છે.

આ પણ વાંચોઃ દેશના આ રાજ્યોમાં છે સૌથી વધુ બેરોજગાર, આંકડા જોઇને ચોંકી જશો!