સામાન્ય રીતે લોકો એક સારી નોકરી મેળવવા માટે સંઘર્ષ કરતા હોય છે, પરંતુ બ્રિટનમાંથી એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેણે બધાને હચમચાવી દીધા છે. પૂર્વ લંડનના વ્હાઇટચેપલ વિસ્તારમાં રહેતા 55 વર્ષીય કાશીમ ચૌધરી નામના સરકારી કર્મચારી પર એકસાથે પાંચ પૂર્ણ-સમયની નોકરીઓ કરીને લાખો પાઉન્ડ એટલે કે કરોડો રૂપિયા કમાવવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ આખો મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે રાષ્ટ્રીય છેતરપિંડી વિરોધી પહેલ (National Fraud Initiative) દ્વારા તેની તપાસ શરૂ કરવામાં આવી હતી.
સરકારી વિભાગો અને જાહેર સંસ્થાઓમાં કરી નોકરી
અદાલતમાં રજૂ કરાયેલા દસ્તાવેજો અને આરોપો મુજબ, ફેબ્રુઆરી 2020 થી સપ્ટેમ્બર 2023 દરમિયાન કાશીમે વિવિધ સરકારી વિભાગો અને જાહેર સંસ્થાઓમાં નોકરીઓ મેળવી હતી. આ સમયગાળા દરમિયાન તેણે કુલ આઠ અલગ-અલગ નોકરીદાતાઓ માટે કામ કર્યું હતું અને મે 2023 માં તે એકસાથે પાંચ અલગ-અલગ જગ્યાએથી પૂર્ણ-સમયનો પગાર મેળવી રહ્યો હતો. આ બધી નોકરીઓમાંથી તેની માસિક કમાણી આશરે 3,50,000 પાઉન્ડ (ભારતીય ચલણમાં કરોડો રૂપિયા) જેટલી થતી હતી. સૌથી મોટો સવાલ એ હતો કે એક અઠવાડિયામાં માત્ર 168 કલાક જ હોય છે, જ્યારે ચૌધરીની આ પાંચેય નોકરીઓનો કુલ સાપ્તાહિક કાર્યભાર આશરે 183 કલાકનો હતો!
કામનું ભારણ વધતા બીમારીના બતાવતો બહાના
કોવિડ-19 મહામારી દરમિયાન શરૂ થયેલી 'વર્ક ફ્રોમ હોમ' (WFH) ની સુવિધાનો તેણે ભરપૂર ગેરલાભ ઉઠાવ્યો હતો. ઘરેથી કામ કરવાની છૂટ હોવાને કારણે તે પોતાની અસલી રોજગાર સ્થિતિ અને અન્ય નોકરીઓની માહિતી છુપાવવામાં સફળ રહ્યો હતો. જ્યારે કામનું ભારણ વધી જતું ત્યારે તે બીમારી, હતાશા કે વૃદ્ધ માતાની સંભાળ રાખવાના બહાના આગળ ધરીને રજાઓ પર ઉતરી જતો હતો.
બીમાર દેખાવા કરતો હતો મેકઅપ અને ભાંડો ફૂટ્યો
આ કેસનો સૌથી રસપ્રદ અને હાસ્યાસ્પદ ખુલાસો યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સીના મેનેજર અલીશા એડમ્સે કર્યો હતો. તેમણે કોર્ટમાં આરોપ લગાવ્યો કે મે 2023માં ગેરહાજરી અંગે ચર્ચા કરવા માટે જ્યારે એક વીડિયો કોલ ગોઠવવામાં આવ્યો ત્યારે કાશીમે બીમાર દેખાવા માટે ચહેરા પર સફેદ મેકઅપ લગાવ્યો હતો, જોકે પરસેવો વળવાને કારણે તેના કપાળ પરથી મેકઅપ ઉખડી ગયો હતો. તેની આ હરકતો અને નોકરીના સ્થળે કેમેરા બંધ રાખવાની આદતને કારણે સાથી કર્મચારીઓને તેના પર શંકા ગઈ હતી.
આ મામલે કાયદાકીય કાર્યવાહી કરાઇ
ચૌધરીની નોકરીઓમાં ટાવર હેમલેટ્સ કાઉન્સિલ, પર્યાવરણીય વિભાગ ડેફ્રા અને ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોશિયલ કેર જેવી મહત્વની સંસ્થાઓ સામેલ હતી. જોકે, કાશીમ ચૌધરીએ પોતાની સામે લાગેલા છેતરપિંડીના તમામ નવ આરોપોને નકારી કાઢ્યા છે અને હાલ આ મામલે કોર્ટમાં કાનૂની કાર્યવાહી ચાલી રહી છે.
આ પણ વાંચોઃ સ્ટ્રેચ માર્ક્સ ઝડપથી દૂર કરે છે વિટામિન E ઓઇલ? જાણો અન્ય ફાયદા