બ્રિટનના રાજકારણમાં આવનારા દિવસોમાં મુસ્લિમ સમુદાયનો રાજકીય પ્રભાવ અને દબદબો ખૂબ જ ઝડપથી વધી શકે છે. 'મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટન'ના એક અહેવાલ મુજબ, વર્ષ 2029ની સંસદીય ચૂંટણીમાં બ્રિટનની લગભગ 78 જેટલી બેઠક પર મુસ્લિમ મતદાતાઓ નિર્ણાયક ભૂમિકા ભજવશે. આ મોટો ફેરફાર મુખ્યત્વે યુકે સરકાર દ્વારા મતદાન કરવાની લઘુત્તમ ઉંમર 18 વર્ષથી ઘટાડીને 16 વર્ષ કરવાના પ્રસ્તાવિત નિર્ણય અને ઝડપથી વધી રહેલી મુસ્લિમ વસ્તીને કારણે જોવા મળશે.
3 મહત્વના આંકડાઓથી સમજો યુકેની રાજકીય સ્થિતિ
હાલમાં 29 બેઠક પર પ્રભાવ
બ્રિટન સંસદની કુલ 650 બેઠકમાંથી હાલમાં લગભગ 30 બેઠક પર મુસ્લિમોનો મોટો દબદબો છે. જેમાં 3 બેઠક એવી છે જ્યાં 50 ટકાથી વધુ મુસ્લિમ મતદારો છે, જ્યારે 26 બેઠકો પર તેમની વસ્તી 20 ટકાથી વધુ છે. હાલની બ્રિટિશ સંસદમાં 25 મુસ્લિમ સાંસદો ચૂંટાયેલા છે.
2. નવા નિયમથી 49 બેઠક પર 10-10 હજાર મતદારો વધશે
બ્રિટનમાં 16 વર્ષના નાગરિકોને મતદાનનો અધિકાર મળતાની સાથે જ નવી 49 બેઠકો પર અંદાજે 10-10 હજાર નવા મુસ્લિમ મતદારો ઉમેરાશે. અગાઉની ચૂંટણીઓમાં આ 49 બેઠક પર હાર-જીતનો તફાવત 10 હજાર કરતાં પણ ઓછો હતો. જેના કારણે 2029ની ચૂંટણીમાં કુલ 78 બેઠકો પર મુસ્લિમ વોટર્સ પરિણામ બદલવાની ક્ષમતા રાખશે.
3. ઝડપથી વધી રહેલી યુવા વસ્તી:
2021ની વસ્તી ગણતરી મુજબ બ્રિટનમાં 39 લાખથી વધુ મુસ્લિમો રહે છે, જેમાંથી 45 ટકા વસ્તી 25 વર્ષથી ઓછી વયની છે. 2011થી 2021 વચ્ચે બ્રિટનમાં 12 લાખ મુસ્લિમો વધ્યા હતા. જો આ જ ઝડપ ચાલુ રહેશે તો 2031 સુધીમાં બ્રિટનની કુલ વસ્તીના 10 ટકા મુસ્લિમો હશે.
આ ઉપરાંત, બ્રિટિશ મુસ્લિમ યુવાનોમાં ગાઝા સમર્થક અને અપક્ષ ઉમેદવારો તરફ ઝુકાવ વધી રહ્યો છે, જે સ્થાનિક ચૂંટણીઓમાં જીતી રહ્યા છે. બ્રિટનમાં સરકાર બનાવવા માટે 326 બેઠકોની જરૂર હોય છે, તેવામાં 78 બેઠકો પર મુસ્લિમ મતદારોનું વર્ચસ્વ કોઈ પણ પક્ષની સરકાર બનાવવા કે પાડી દેવામાં મહત્વનો ભાગ ભજવશે.