અમેરિકાના ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પના નેતૃત્વ હેઠળના એક માનવીય મિશન અંતર્ગત રશિયા અને યુક્રેન વચ્ચે દક્ષિણ યુક્રેનના ઓલેશ્કી શહેરમાં સ્થાનિક યુદ્ધવિરામને લઈને એક મોટો કરાર થયો છે. યુક્રેનના મુખ્ય વાર્તાકાર દિમિત્રો લુબિનેત્સે જણાવ્યું કે આ યુદ્ધવિરામ આગામી મંગળવાર 27 ઓક્ટોબરના રોજ સવારે 4 વાગ્યાથી શરૂ થશે. આ મિશન શરૂ થવાના 2 દિવસ પહેલાં લાગુ થશે અને ઘણા દિવસો સુધી ચાલુ રહેશે.

માનવીય સહાય પહોંચાડવી અને નાગરિકોને બહાર કાઢવા મુખ્ય ઉદ્દેશ્ય

શુક્રવારે યુક્રેન, રશિયા અને અમેરિકાના વાર્તાકારો વચ્ચે થયેલા આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય રશિયાના નિયંત્રણ હેઠળના ઓલેશ્કી શહેરમાં ફસાયેલા સામાન્ય લોકો સુધી ભોજન, દવાઓ અને જરૂરી માનવીય સહાય પહોંચાડવી તેમજ ત્યાંથી નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવાનો છે.

મેલાનિયા ટ્રમ્પની પહેલ: પુતિન અને ટ્રમ્પ વચ્ચે પણ થઈ ચર્ચા

વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, મેલાનિયા ટ્રમ્પે ગયા મહિને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્ર દરમિયાન આ ગંભીર પરિસ્થિતિ વિશે જાણ્યા પછી સીધી રશિયા અને યુક્રેનના ઉચ્ચ નેતૃત્વ સાથે વાતચીત શરૂ કરી હતી. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે આ પહેલ માટે ફર્સ્ટ લેડીનો આભાર માન્યો છે અને પુષ્ટિ કરી છે કે રાષ્ટ્રપતિ પુતિન અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં આ મુદ્દે ચર્ચા કરી હતી.

લેન્ડમાઇન્સ હટાવવાથી થશે શરૂઆત

દિમિત્રો લુબિનેત્સે જણાવ્યું કે આ અભિયાન અત્યંત સંવેદનશીલ અને પડકારજનક છે, જેને તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવશે. સહાયના કાફલાના પ્રવેશ અને નાગરિકોને સુરક્ષિત બહાર કાઢતાં પહેલાં ઓલેશ્કીના રસ્તાઓ પર પાથરેલી લેન્ડમાઇન્સ દૂર કરવામાં આવશે. રશિયાના જનરલ સ્ટાફના વડા, જનરલ વાલેરી ગેરાસિમોવે પણ પુષ્ટિ કરી છે કે રશિયન સેના મંગળવારથી ખેરસન વિસ્તારમાં યુદ્ધવિરામ કરશે અને સુરક્ષિત રસ્તા માટે તપાસ કરશે. રશિયાના માનવાધિકાર લોકપાલ યાના લાંત્રતોવાએ જણાવ્યું કે યુદ્ધ ક્ષેત્રમાંથી બહાર જવા ઈચ્છતા લોકોને સુરક્ષિત રસ્તો આપવો તેમની પ્રાથમિકતા છે.

બાળકોને બચાવવા અને પરિવારોને મેળવવા મુખ્ય લક્ષ્ય

મેલાનિયા ટ્રમ્પના વરિષ્ઠ સલાહકાર માર્ક બેકમેનના જણાવ્યા અનુસાર, આ યુદ્ધવિરામ તેમના એ મોટા મિશનનો ભાગ છે, જે અંતર્ગત તેઓ યુદ્ધના કારણે વિખૂટા પડેલા રશિયન અને યુક્રેનિયન બાળકોને તેમના પરિવારો સાથે મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ અત્યાર સુધી લગભગ 3 ડઝન બાળકોને તેમના પરિવારો સાથે મેળવી ચૂક્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ વ્હાઇટ હાઉસમાં પત્રકારોને જણાવ્યું કે ફર્સ્ટ લેડીનું મુખ્ય ધ્યાન અને લક્ષ્ય બાળકોને સુરક્ષિત બચાવવાનું છે.

વોશિંગ્ટન અને કીવ વચ્ચેના તણાવ વચ્ચે કરાર

આ માનવીય કરાર એવા સમયે થયો છે જ્યારે ટ્રમ્પ વહીવટીતંત્ર અને યુક્રેનની સરકાર વચ્ચે તણાવ વધેલો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ હડસન ઇન્સ્ટિટ્યૂટમાં એક ઓનલાઇન સંબોધન દરમિયાન ઓલેશ્કી યુદ્ધવિરામનો સીધો ઉલ્લેખ ન કર્યો, પરંતુ એ જરૂર કહ્યું કે એલન મસ્કના સ્ટારશીલ્ડ અને સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટની સ્પીડ પર મૂકવામાં આવેલા પ્રતિબંધો અને અમેરિકન પેટ્રિઅટ મિસાઇલ ઇન્ટરસેપ્ટર પરની રોક હજુ પણ ચાલુ છે. જોકે તેમણે યુદ્ધ પૂરું કરવા માટે અમેરિકાની કૂટનીતિક ભૂમિકાને મહત્વની ગણાવી છે.

ઓલેશ્કીમાં અત્યંત કફોડી બની સ્થિતિ

નિપ્રો નદીના કિનારે વસેલું ઓલેશ્કી શહેર ફેબ્રુઆરી 2022 માં રશિયન હુમલાના પહેલા દિવસથી જ મોસ્કોના નિયંત્રણમાં છે. જૂન 2023 માં કાખોવકા ડેમ વિસ્ફોટ પછી આવેલા પૂરમાં આ શહેરને મોટું નુકસાન થયું હતું. હાલમાં અહીં ન તો વીજળી છે, ન પાણીનો પુરવઠો કે ન તો હીટિંગની સુવિધા છે. કડકડતી ઠંડીની શરૂઆત પહેલાં અહીં બચેલા નાગરિકો સામે ભૂખ અને બીમારીથી મોતનો ખતરો તોળાઈ રહ્યો છે, જેના કારણે આ સ્થાનિક યુદ્ધવિરામ ખૂબ જીવનરક્ષક સાબિત થશે.

આ પણ વાંચો-Big Budget Movie : રામાયણએ તોડ્યો આવારાપન 2નો રેકોર્ડ, પ્રી-સેલ્સમાં મેળવ્યું 5મું સ્થાન!