યુક્રેનના ઓડેસા બંદર પરથી રવાના થઈ રહેલા વેપારી જહાજ 'MV GOLDEN LEO' પર 19 જુલાઈ, 2026ની સાંજે હુમલો થયો હતો. ભારતના વિદેશ મંત્રાલય (MEA)એ જણાવ્યું કે હુમલા સમયે જહાજમાં કુલ 17 ક્રૂ સભ્યો સવાર હતા, જેમાં પાંચ ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થતો હતો.

https://twitter.com/MEAIndia/status/2079224637880508866

ભારતીય દૂતાવાસ સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહ્યું છે

વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ આ હુમલામાં 4 ભારતીય નાગરિકોના દુઃખદ મોત થયા છે, જ્યારે એક ભારતીય ગંભીર રીતે ઘાયલ થયો છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. યુક્રેનમાં સ્થિત ભારતીય દૂતાવાસ સમગ્ર ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ પહોંચાડવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. ભારત સરકારે મૃતક ભારતીયોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને ગંભીર રીતે ઘાયલ ભારતીયના ઝડપથી સંપૂર્ણ સ્વસ્થ થવાની કામના કરી છે.

વિદેશ મંત્રાલયે હુમલાની કડક નિંદા કરી 

વિદેશ મંત્રાલયે આ હુમલાની કડક નિંદા કરતાં જણાવ્યું કે વેપારી જહાજોને નિશાન બનાવવું, નિર્દોષ નાગરિક ક્રૂ સભ્યોના જીવને જોખમમાં મૂકવું અને દરિયાઈ માર્ગો પર વેપાર તથા અવરજવરની સ્વતંત્રતામાં અવરોધ ઊભો કરવો અત્યંત નિંદનીય છે. ભારતે ભારપૂર્વક જણાવ્યું કે આવા હુમલાઓથી દૂર રહેવું જોઈએ અને આંતરરાષ્ટ્રીય વેપાર તથા દરિયાઈ સુરક્ષાનું સન્માન થવું જરૂરી છે. હાલ હુમલા પાછળના કારણો અને જવાબદાર પક્ષ અંગે સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. ભારતીય દૂતાવાસ સ્થાનિક સત્તાવાળાઓના સંપર્કમાં રહી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

આ પણ વાંચો : Singapore Politics News: વિવાદ બાદ સિંગાપોરના મંત્રી ફેશલ ઈબ્રાહિમનું રાજીનામું, જાણો શુ છે મામલો?