રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે રશિયા સેનામાં HIV અને હેપેટાઇટીસના મામલાઓ વધ્યા છે. એક અહેવાલ મુજબ રશિયા બીમાર કેદીઓ અને સંક્રમિત લોકોને એકત્ર કરી રહ્યુ છે. રશિયા-યૂક્રેન યુદ્ધને સાડા ત્રણ વર્ષ થઇ ચુક્યા છે. અને આ તમામની વચ્ચે એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહેવાલ મુજબ રશિયા સેનામાં HIV અને હેપેટાઇટીસના મામલાઓ સતત વધી રહ્યા છે.
HIV કેસથી વધી ચિંતા
સ્વતંત્ર શોધ સંસ્થાન કાર્નેગી પોલિટિકા રિપોર્ટ મુજબ વર્ષ 2022ના અંત સુધી રશિયા સેના દળોમાં HIVના મામલાઓમાં 13 ગણો વધારો થયો છે. વર્ષ 2023માં આ સંખ્યા સતત વધી રહી છે. આ કેસમાં વધારા માટે હૉસ્પિટલમાં વપરાયેલા ઇન્જેક્શનોનો વારંવાર ઉપયોગ, નશાની આદત, સ્વાસ્થય સુરક્ષાનો અભાવ અને અસુરક્ષિત શારીરિક સંબંધોને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. રશિયન કાયદા મુજબ HIV, TB અથવા હેપેટાઇટિસથી પીડિત લોકોને લશ્કરી ભરતીમાંથી મુક્તિ આપવી જરૂરી છે. યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી આવા લોકોને પણ બળજબરીથી ભરતી કરવામાં આવી રહી છે. રશિયા એવા કેદીઓને અને કબજા હેઠળના પ્રદેશોના રહેવાસીઓને પણ ભરતી કરી રહ્યું છે. જેમની પાસે ભાગી જવાનો કોઈ વિકલ્પ નથી. કેદીઓને દર મહિને લગભગ 2,00,000 રુબેલ્સ એટલે કે 2 લાખ આપવાનું વચન આપવામાં આવે છે. પરંતુ તેમને દવાઓ અને સારવારની સુવિધાઓ આપવામાં આવતી નથી. NGO Russia Behind Bars ના સ્થાપક, દેશનિકાલ પત્રકાર ઓલ્ગા રોમાનોવાએ જણાવ્યુ છે કે, ભરતી પ્રક્રિયામાં કોઇ ગુણવત્તા રહી નથી. યુક્રેનિયન લશ્કરી ગુપ્તચર એજન્સી કહે છે કે વર્ષ 2024ના અંતમાં, રશિયાએ ખાસ એકમો બનાવ્યા હતા. જેમાં હેપેટાઇટિસ B અને Cથી પીડિત લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.
રશિયાની સેનાનો ગામો પર કબ્જો
યુક્રેન યુદ્ધ દરમિયાન રશિયાએ દક્ષિણ-પૂર્વીય ડિનિપ્રોપેટ્રોવસ્ક ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ વધાર્યું છે. ઓપન-સોર્સ રિસર્ચ ગ્રુપ ડીપસ્ટેટે પુષ્ટી કરી છે કે, રશિયન સેનાએ ઝાપોરિઝકે અને નોવોહિરોહિવકા ગામો કબજે કર્યા છે. મોસ્કોના સંરક્ષણ મંત્રાલયે પહેલાથી જ આ બંને ગામો કબજે કરવાનો દાવો કર્યો હતો. જેની હવે સ્વતંત્ર ટ્રેકર્સ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. જોકે, યુક્રેનિયન સેનાએ આ અહેવાલોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે 'રશિયનોએ ગામડાઓમાં ઘૂસણખોરી કરી છે. પરંતુ તેઓ પોતાનો અડ્ડો સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.' સેનાના પ્રવક્તા વિક્ટર ટ્રેહુબોવે કહ્યું હતું કે યુક્રેનિયન સૈનિકો હજુ પણ પોતાની સ્થિતિ બચાવવા માટે લડી રહ્યા છે.