ચીને પહેલી વાર 2035 સુધી કાર્બન ઉત્સર્જનમાં 7 થી 10 ટકા સુધીના ઘટાડાનું લક્ષ્ય રાખવાની ઘોષણા કરી છે. જે બાદ દુનિયાભરના નેતાઓએ પણ જળવાયુ પરિવર્તનને લઇને ગંભીરતા બતાવી છે. સંયુક્ત રાષ્ટ્રએ જળવાયુ સંમેલનમાં યુરોપ સહિત અનેક દેશોએ પણ પોતાની યોજના બતાવી અને કાર્બન ટેક્સ, નવીનીકરણીય ઉર્જા જેવા પગલાં પર ભાર મૂક્યો.ચીન અને બ્રાઝિલે અપ્રત્યક્ષ રૂપથી અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પની આલોચના કરતા કહ્યુ કે, કેટલાંક દેશો ભલે પીછે હટ કરે પરંતુ દુનિયાએ સાચી દિશામાં આગળ વધવુ જોઇએ.
કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાનો લક્ષ્ય
જ્યારે ચીને પહેલીવાર કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાનો લક્ષ્ય જાહેર કર્યો, ત્યારે દુનિયાભરના નેતાઓએ કહ્યું કે તેઓ હવે જળવાયુ પરિવર્તન અને તેના કારણે થનારા જોખમભર્યા હવામાન સામે લડવા માટે અગાઉ કરતાં વધુ ગંભીર બન્યા છે. બુધવારે સંયુક્ત રાષ્ટ્રના ઉચ્ચ સ્તરીય જળવાયુ સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે જાહેરાત કરી કે તેમનો દેશ હવે 2035 સુધીમાં પોતાના કાર્બન ઉત્સર્જનમાં 7થી 10 ટકા સુધી ઘટાડો કરવાનો લક્ષ્ય રાખે છે. ચીન દુનિયાનો સૌથી મોટો કાર્બન પ્રદૂષણ ફેલાવનારો દેશ છે અને 31 ટકા કરતાં વધુ કાર્બન ઉત્સર્જન કરે છે અને તેનું ઉત્સર્જન સતત વધી રહ્યું છે.










