અમેરિકાના ટેક્સાસ રાજ્યમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જ્યાં યુએસ આર્મીનું એક અપાચે (AH-64) એટેક હેલિકોપ્ટર અકસ્માતનો ભોગ બન્યું હતું. આ ગંભીર દુર્ઘટનામાં હેલિકોપ્ટર સવાર બંને પાઇલટના કરુણ મોત નીપજ્યા છે. બેલ કાઉન્ટી શેરિફ ઓફિસ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે આ લશ્કરી અકસ્માત ટેક્સાસના સલાડો વિસ્તારમાં થયો હતો, જેના કારણે સમગ્ર સૈન્ય સમુદાયમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.
આર્મીનું અપાચે હેલિકોપ્ટર ક્રેશ
મળતી માહિતી પ્રમાણે સ્થાનિક સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે 911 પર કટોકટીનો કોલ મળ્યો હતો. તાત્કાલિક રાહત અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ દુર્ઘટના એટલી ગંભીર હતી કે બંને સૈનિકોને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સલાડો એ ઓસ્ટિનથી ઉત્તર દિશામાં લગભગ 50 માઈલના અંતરે આવેલું એક શહેર છે.
2 પાઇલટના મોત
સૈન્ય સૂત્રોના જણાવ્યા અનુસાર, ક્રેશ થયેલું આ અપાચે હેલિકોપ્ટર પ્રખ્યાત ફોર્ટ હૂડ લશ્કરી મથક ખાતે તૈનાત કરવામાં આવ્યું હતું. દુર્ઘટના બાદ બંને સૈનિકોના પાર્થિવ દેહને ફોર્ટ હૂડ સ્થિત કાર્લ આર. ડાર્નાલ આર્મી મેડિકલ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા. સૈન્ય નિયમો અનુસાર, મૃતક સૈનિકોના પરિવારોને સત્તાવાર જાણ કરવામાં ન આવે ત્યાં સુધી આગામી 24 કલાક સુધી તેમના નામ ગુપ્ત રાખવામાં આવ્યા છે. સદનસીબે આ અકસ્માતમાં જમીન પર કોઈ અન્ય ઈમારત કે નાગરિકને નુકસાન પહોંચ્યું નથી અને અન્ય કોઈ ઈજાના અહેવાલ નથી.
https://twitter.com/Archer83Able/status/2087653908357304805
ટેક્સાસ ગર્વનર દ્વારા શોક વ્યક્ત કરાયો
આ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કરતા કેવેલરી ડિવિઝનના કાર્યકારી કમાન્ડિંગ જનરલ બ્રિગેડિયર જનરલ એથન ડેવાને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, "આ અત્યંત મુશ્કેલ સમયમાં આ દુર્ઘટનાનો ભોગ બનેલા સૈનિકોના પરિવારો, મિત્રો અને તેમના સાથી સૈનિકો પ્રત્યે અમારી ઊંડી સંવેદના છે." આ ઉપરાંત, ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે પણ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરતા સૈનિકોના પરિવારો અને ફોર્ટ હૂડ સમુદાય માટે પ્રાર્થના કરી હતી. તેમણે પોતાના સંદેશમાં લખ્યું કે, ટેક્સાસ હંમેશા આપણા રાજ્ય અને દેશની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા વીર સૈનિકોનો આભારી રહેશે. વહીવટી તંત્ર દ્વારા આ અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Sawan 2026: બાબા મહાકાલનો અલૌકિક શણગાર, ચાંદીના આભૂષણો અને સૂકા ફળોથી સજ્જ થયા મહાદેવ