પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે અને શાંતિ વાટાઘાટો સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા આ ભીષણ સૈન્ય સંઘર્ષ દરમિયાન અમેરિકી વાયુસેનાએ ઈરાનના અનેક સૈન્ય અને મહત્વપૂર્ણ ઠેકાણાઓ પર જોરદાર હવાઈ હુમલા કર્યા છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 30થી વધુ લોકોના મોત થયા હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ છે. બીજી તરફ, ઈરાનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે રાતોરાત થયેલા આ ભીષણ હુમલાઓમાં 260થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
લશ્કરી છાવણીઓ અને અનાજના ગોદામો પર હુમલો
ઈરાની સેનાના જણાવ્યા અનુસાર, અમેરિકી સૈન્યે દક્ષિણ-પૂર્વ ઈરાનના બમ્પૂર સ્થિત મિલિટરી બેરેક પર 13 શક્તિશાળી મિસાઈલો દાગી હતી. આ હુમલામાં 388મી બ્રિગેડના સાત સૈનિકોના મોત થયા છે. સેનાએ આ હુમલાને કાયરતાપૂર્ણ ગણાવીને યોગ્ય સમયે બદલો લેવાની ચેતવણી આપી છે. આ સિવાય, અમેરિકી મિસાઈલોએ પશ્ચિમી ખુજેસ્તાન પ્રાંતના હોવિજેહ વિસ્તારમાં આવેલા ઘઉંના સંગ્રહ કેન્દ્ર (ગોદામ) ને પણ નિશાન બનાવ્યું છે. દક્ષિણ ઈરાનના અને બંપુરમાં પણ જોરદાર વિસ્ફોટોના અવાજો સાંભળવા મળ્યા છે.
હોર્મુઝની સામુદ્રધુનીમાં યુએસ દ્વારા ફરી નાકાબંધી
પારસ્પરિક હુમલાઓ વચ્ચે અમેરિકાએ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝ જળમાર્ગ (Strait of Hormuz) માં ઈરાન પર ફરીથી દરિયાઈ નાકાબંધી લાગુ કરી દીધી છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) ના વડા એડમિરલ બ્રેડ કૂપરે આરોપ લગાવ્યો છે કે ઈરાને છેલ્લા સાત દિવસમાં આ વિસ્તારમાંથી પસાર થતા 7 વ્યાપારી જહાજોને નિશાન બનાવીને નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મૂક્યા છે. આ આક્રમકતાના જવાબમાં અમેરિકાએ સતત 7 કલાક સુધી સૈન્ય ઓપરેશન ચલાવીને ઈરાનના મિસાઈલ, ડ્રોન અને દરિયાઈ સંરક્ષણ મથકોને તોડી પાડ્યા છે. જોકે, ઈરાને આ નાકાબંધીને ફગાવી દેતા સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ પ્રકારની સૈન્ય કાર્યવાહી તેહરાનને નમી જવા મજબૂર કરી શકશે નહીં.
પાડોશી દેશોમાં એલર્ટ
આ યુદ્ધની આંચ હવે પાડોશી દેશો સુધી પહોંચવા લાગી છે. જોર્ડને દાવો કર્યો છે કે તેમની એર ડિફેન્સ સિસ્ટમે દેશ તરફ આવી રહેલી ઈરાનની ત્રણેય મિસાઈલોને હવામાં જ તોડી પાડી છે. બીજી તરફ, સંભવિત હુમલાની આશંકા વચ્ચે બહેરીનમાં સુરક્ષા ચેતવણીના સાયરન વગાડવામાં આવ્યા છે અને નાગરિકોને એલર્ટ રહેવા આદેશ અપાયો છે. આ દરમિયાન ગાઝા પટ્ટીના દીર અલ-બલાહમાં પણ ઈઝરાયેલના હેલિકોપ્ટર હુમલામાં એક જ પરિવારના 4 લોકોના મોત થતાં સમગ્ર પશ્ચિમ એશિયા સળગી ઉઠ્યું છે.
આ પણ વાંચો: બ્રિટનમાં 'બાબરી' જેવો વિવાદ! 40 વર્ષ જૂના રામ મંદિર પર મંડરાયો ખતરો