અમેરિકા અને કેનેડા વચ્ચે ચાલી રહેલો વેપાર વિવાદ હવે વધુ ઘાતક તબક્કામાં પહોંચી ગયો છે. અમેરિકી વહીવટીતંત્રે કેનેડા સામે કડક પગલાં લેતા કેનેડિયન ડેરી ઉત્પાદનો, મોટાભાગના આલ્કોહોલ અને મોટરસાયકલની આયાત પર પ્રતિબંધોની જાહેરાત કરી દીધી છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ અઠવાડિયામાં આ પ્રતિબંધો સંપૂર્ણપણે અમલમાં આવી જશે. આ પગલાં એવા સમયે લેવાયા છે જ્યારે કેનેડાએ અગાઉ આશરે ૨૦ અબજ ડોલરના યુએસ માલ પર વળતો ટેરિફ ઝીંક્યો હતો.

સરકારી ટેન્ડરોમાંથી કેનેડિયન માલ બાકાત

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક આક્રમક નિર્ણય લેતા જનરલ સર્વિસીસ એડમિનિસ્ટ્રેશન (GSA) ને આદેશ આપ્યો છે કે યુએસ સરકારના મોટા કરારો અને ટેન્ડરોમાંથી કેનેડિયન ઉત્પાદનોને સંપૂર્ણપણે ગેરલાયક ઠેરવવામાં આવે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી કેનેડા અમેરિકન ઉત્પાદનો માટે પોતાના બજારમાં સંપૂર્ણ સમાનતા અને છૂટ ન આપે, ત્યાં સુધી આ પ્રતિબંધો યથાવત રહેશે.

કેનેડાની નવી વ્યૂહરચના: આત્મનિર્ભરતા અને યુરોપ સાથે મજબૂત નાતો

અમેરિકાના આ દબાણ વચ્ચે કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નેએ સ્પષ્ટ કર્યું છે કે કેનેડા હવે એક જ આર્થિક ભાગીદાર પર પોતાની વધુ પડતી નિર્ભરતા ખતમ કરવા માંગે છે. તેમણે દેશને વધુ સ્વતંત્ર અને આત્મનિર્ભર બનાવવાની દિશામાં કામ શરૂ કરી દીધું છે. આ રણનીતિના ભાગરૂપે, કેનેડા હવે યુરોપિયન યુનિયન (EU) સાથેના વેપારી સંબંધો ગાઢ બનાવવાની યોજના પર કામ કરી રહ્યું છે. આગામી દિવસોમાં માર્ક કાર્ની ફ્રાન્સના સ્ટ્રાસબર્ગની મુલાકાતે જઈ રહ્યા છે, જ્યાં તેઓ યુરોપિયન સંસદને સંબોધિત કરશે અને યુરોપિયન યુનિયન સાથે નવા આર્થિક સહયોગના માર્ગો તપાસશે.

ઐતિહાસિક સંબંધોમાં તિરાડ અને ભવિષ્યના પડકારો

અમેરિકા અને કેનેડા વચ્ચેના દાયકાઓ જૂના મિત્રતા અને સુરક્ષા સંબંધોમાં આવી રહેલી આ તિરાડ વૈશ્વિક અર્થતંત્ર માટે ચિંતાનો વિષય બની છે. કેનેડા તેની ૭૦ ટકાથી વધુ નિકાસ અમેરિકાને કરે છે, જે દર્શાવે છે કે વેપારનું વૈવિધ્યકરણ કરવું કેનેડા માટે કેટલું મોટું આહ્વાન છે. જો કે, માર્ક કાર્નેએ સ્વીકાર્યું છે કે આનાથી ટૂંકા ગાળામાં મુશ્કેલીઓ જરૂર ઊભી થશે, પરંતુ લાંબા ગાળે તે કેનેડિયન અર્થતંત્રને મજબૂત બનાવશે.

આ પણ વાંચોઃ બુલેટપ્રુફ કોફી જે વેઇટને કરે છે ચપટીમાં લોસ, છે અદ્દભુત ફાયદા