અમેરિકામાં ડીઝલના વધતા જતા ભાવોએ ખેડૂતોની ચિંતામાં ભારે વધારો કર્યો છે. ટ્રેક્ટર અને હાર્વેસ્ટર ચલાવવાથી લઈને પાકને ખેતરથી બજાર સુધી પહોંચાડવા માટે ડીઝલ અનિવાર્ય છે. આ સ્થિતિમાં અમેરિકન ખેડૂતોને રાહત આપવા માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે $૮ બિલિયન (આશરે ₹71,000 કરોડ) ના 'હાર્વેસ્ટ ફ્યુઅલ રિલીફ પ્લાન' ની જાહેરાત કરી છે. નોંધપાત્ર બાબત એ છે કે સરકાર ખેડૂતોને સીધું ડીઝલ આપવાને બદલે મોંઘા ઈંધણના બોજને હળવો કરવા માટે સીધી નાણાકીય સહાય પૂરી પાડશે.
કેન્સાસ રેલીમાં યોજનાની જાહેરાત
ટ્રમ્પે ૧૯ ઓક્ટોબરના રોજ કેન્સાસમાં યોજાયેલી એક રેલી દરમિયાન આ મહત્વપૂર્ણ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર (USDA) દ્વારા 'હાર્વેસ્ટ ફ્યુઅલ રિલીફ પ્રોગ્રામ' શરૂ કરવામાં આવશે. તેનો મુખ્ય હેતુ લણણીની ચાલુ મોસમ દરમિયાન ડીઝલના વધતા દર અને ખેતીના ઉત્પાદન ખર્ચ સામે ખેડૂતોને આર્થિક ટેકો આપવાનો છે.
ચુકવણીની પ્રક્રિયા અને વહિવટ
આ ભંડોળ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરની ફાર્મ સર્વિસ એજન્સી (FSA) દ્વારા વિતરિત કરવામાં આવશે. ખેડૂતોને મળવાપાત્ર રકમ ૨૦૨૬ ની પાક મોસમ દરમિયાન થયેલા અંદાજિત નુકસાન અને ખેતીના કુલ ખર્ચના આધારે નક્કી કરવામાં આવશે. મુખ્ય પાક માટે સહાયના દર નવેમ્બર મહિનામાં જાહેર કરવામાં આવશે. ખેડૂતોના ખાતામાં આ રકમ ક્યારથી જમા થશે તેની આખરી તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે.
ડીઝલના ભાવ વધવાનું મુખ્ય કારણ
અહેવાલો અનુસાર, સપ્ટેમ્બર 2026 માં યુએસમાં ડીઝલનો સરેરાશ ભાવ $6.53 પ્રતિ ગેલન સુધી પહોંચી ગયો હતો. આંતરરાષ્ટ્રીય તેલ પુરવઠામાં સર્જાયેલી વિક્ષેપતા અને યુએસ-ઈરાન તણાવને કારણે ઈંધણના ભાવ પર ભારે દબાણ સર્જાયું છે. ઈંધણ મોંઘું થતાં ખેતી અને પરિવહન ખર્ચ વધી ગયો છે, જેથી ખેડૂતોનો નફો ઘટી રહ્યો હતો.
અગાઉ પણ અપાયું હતું રાહત પેકેજ
ટ્રમ્પ વહીવટીતંત્રે ખેડૂતો માટે રાહત પેકેજ આપ્યું હોય તેવી આ પહેલી ઘટના નથી. આ અગાઉ ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં પણ યુએસ સરકારે ખેડૂતો માટે $૧૨ બિલિયનના સહાય પેકેજની જાહેરાત કરી હતી. હાલની આ નવી યોજનાથી અમેરિકાના કૃષિ ક્ષેત્રને મોટી રાહત મળવાની આશા છે.
આ પણ વાંચોઃ ગ્લોઇંગ સ્કીન માટે બેસ્ટ છે મધ અને ગુબાજળનો ફેસપેક